રાજકોટ-જેતપુર હાઈવેની અધૂરી કામગીરી સામે આક્રોશ : જીગ્નેશ મેવાણીએ કહ્યું ભંગાર જેતપુર-રાજકોટ હાઇવેનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશ
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવે પ્રોજેક્ટમાં ઢંગધડા વગરના આયોજનને કારણે હાલમાં લાખો વાહનચાલકો ટોલટેક્સ ચૂકવવા છતાં ટ્રાફિકજામમાં ફસાઈ ઉબળખાબડ રસ્તા ઉપર ચાલવા મજબૂર બન્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા જનહિત હાઇવે હક્ક આંદોલન છેડયું છે. મંગળવારે દિગજ્જ કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલ આંબલીયા સહિતના અગ્રણીઓએ પહેલા આપો રોડ પછી માંગો ટોલ સૂત્ર સાથે વરસતા વરસાદમાં રેલી યોજી રાજકોટ કલેકટર કચેરી ગજાવી હતી.રાજકોટમાં આંદોલન બાદ જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે,ભંગાર જેતપુર-રાજકોટ હાઈવેનો મુદ્દો તેઓ વિધાનસભામાં પણ ઉઠાવશે.

રાજકોટ-જેતપુર હાઇવે પર હાલમાં નીતિ નિયમો નેવે મૂકી સિક્સલેન હાઇવેનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે ત્યારે વાહન ચાલકો અત્યંત બિસ્માર રસ્તાઓ ઉપર ચાલવા મજબુર બન્યા છે ત્યારે લોકો પાસેથી ખોટી રીતે ટોલ વસૂલવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જિલ્લા કલેકટર સમક્ષ પ્રશ્નોની જડી વરસાવી રોષ ઠાલવ્યો હતો.કોંગ્રેસ આગેવાનોએ રજુઆતમાં જણાવ્યું હતું કે, સિક્સલેન હાઇવેની કામગીરીમાં જે વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યા છે તે નિયમ મુજબ નથી ઉપરાંત અત્યંત બિસ્માર છે.જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વૈકલ્પિક રસ્તાઓ કાચા હોવાથી હાલમાં વરસાદમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાયું છે. સાથે જ ડાયવર્ઝનમા ખાડા હોવાથી વાહનોને નુકસાન થાય છે.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેની સ્થિતિ અંત્યંત ખરાબ છે હાલમાં અહીંથી પસાર થતા બેથી ત્રણ લાખ લોકો રીતસર યાતના ભોગવી રહ્યા છે ત્યારે આગામી વિધાનસભા સત્રમાં તેઓ જેતપુર હાઈવેનો મુદ્દો જોરશોરથી ઉઠાવશે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમને ઉમેર્યું હતું કે, ટોલ પ્લાઝા નજીક ભારે ટ્રાફિક જામ સર્જાય છે.ખરાબ રસ્તાઓના કારણે માલવાહક વાહનોમાં ભરેલા સામાનને પણ નુકસાન પહોંચે છે, જે વેપારીઓ અને ઉદ્યોગકારો માટે નુકસાનીરૂપ છે.ટ્રાફિક જામના કારણે દરરોજ હજારો વાહનોમાં ઇંધણનો વ્યર્થ વપરાશ થાય છે, જે સામાન્ય જનતાની આર્થિક સ્થિતિ પર સીધો અસર કરે છે.આ અવ્યવસ્થાના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વધુમાં, એમ્બ્યુલન્સોને સમયસર માર્ગ ન મળતાં ગંભીર દર્દીઓને સારવાર મળી શકતી નથી, જે જીવલેણ સાબિત થઇ રહી છે.

કોંગ્રેસ અગ્રણી જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, હાઇવે રોડ સેફ્ટીના વડા તરીકે કલેક્ટરની જવાબદારી છે કે તેઓ તાત્કાલિક નિર્ણય લઈ લોકોને હાલમાં જે સમસ્યાનો સામનો કરવો પડે છે તે મામલે હાઇવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ, પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર અને ટોલ સંચાલન કરતી એજન્સીની જવાબદારી ફિક્સ કરી કડક પગલાં લેવા જોઈએ સાથ જ 67 કિલોમીટરના હાઇવે ઉપર માત્ર 35 કિ.મી.ના અંતરે બે ટોલબૂથ કાર્યરત છે,જે માર્ગ અને પરિવહન મંત્રાલયના નિયમોનો ખુલ્લો ભંગ હોવાનું જણાવી જ્યાં સુધી રોડનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસુલાત બંધ કરવા પણ માંગ કરી હતી.
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવે મુદ્દે રજુઆત સમયે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, સેવાદળના લાલજી દેસાઈ, ગાયત્રીબા વાઘેલા,ખેડૂત નેતા પાલ આંબલીયા, સમિતિના કન્વીનરો અશોકસિંહ વાઘેલા,રોહિત રાજપુત,ધરમ કાંબલિયા,સંજય અજુડીયા,અજીત વાંક,વિજયસિંહ જાડેજા ,અંકિત સોંદરવા શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, ડીપી મકવાણા,નયનાબા જાડેજા,રણજીત મુંધવા,ઠાકરશી ગજેરા,મથુર માલવી,કેતન તાળા,દીપુ રવિયા,જીત સોની,અમિત ચૌધરી,યશ ભિંડારો,રોનક રવૈયા,હેત પટેલ સહિત આગેવાનો અને મોટી સંખ્યમાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : બિહારમાં મહાગઠબંધન દ્વારા ચક્કાજામ : પટનામાં રસ્તા પર ટાયર બાળ્યાં, ટ્રેનો અટકાવી, તેજસ્વી-રાહુલ પ્રદર્શનમાં જોડાયા
હાઇવે ઓથોરિટીને દોડતી કરવા પીએમ જેતપુર હાઇવે ઉપર રોડ શો યોજે
ભંગાર હાલતમાં ફેરવાયેલા રાજકોટ -જેતપુર હાઇવે મુદ્દે હક્કની લડાઈ માટે મેદાને આવેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કલેકટર સમક્ષ રજુઆત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી હાઇવે ઓથોરિટીને દોડતી કરવા વડાપ્રધાન મોદીને જેતપુર-રાજકોટ હાઇવે ઉપર રોડ શો કરવા વિનંતી કરતી પોસ્ટ પણ કરી હતી.
ટ્રાફિક સમસ્યા નિવારવા ટ્રાફિક માર્શલ તૈનાત કરાશે: કલેક્ટર
રાજકોટ-જેતપુર સિક્સલેન પ્રોજેક્ટને કારણે લોકોને પડતી હાલાકી અંગે કોંગ્રેસે આંદોલન છેડ્યું છે ત્યારે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટથી જેતપુર સિક્સલેન અંગે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને જિલ્લા પોલીસવડા સાથે બેઠક યોજવામાં આવી છે. હાલમાં હાઇવે ઉપર 18 બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેમાં 14 જેટલા ડાયવર્ઝન આપવામાં આવેલા છે. ત્યાં વારંવાર ટ્રાફિક જામના પ્રશ્નો ઉભા થાય છે, જેથી ત્યાં 12 જેટલી ક્રેન મૂકાવવામાં આવી છે, જેમાં 2 ક્રેન ટોલ પ્લાઝા ઉપર પણ તૈનાત છે. હાલ એક બ્રિજ શરૂ થઈ ગયો છે અને જો 48 કલાકનો ડ્રાય સ્પેલ મળી જાય તો જામવાડીથી વીરપુર, ગોમટા ફાટક અને વીરપુર બાયપાસના બ્રિજ ખુલ્લા મૂકી શકાય તેમ છે. આ ઉપરાંત ટોલ પ્લાઝા પાસે અને સડક પીપળીયા નજીક ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે 16 જેટલા ટ્રાફિક માર્શલને ત્રણ શિફ્ટમાં મૂકવામાં આવશે. જેથી ટ્રાફિકજામ થતા જ ટ્રાફિક માર્શલ, પોલીસ અને ક્રેનની મદદથી ટ્રાફિકનો ઝડપથી નિકાલ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જો કે, હાઇવે ઉપર ટોલ ન વસૂલવાની માંગણી બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે વાતચીત કરી નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.
રાજાણી, રાજ્યગુરુ, રાજપૂતની ગેરહાજરી સૂચક
રાજકોટ-જેતપુર હાઇવે માટે હક્કની લડાઈ સૂત્ર સાથે આંદોલન છેડનાર કોંગ્રેસમાં જૂથવાદ અને આંતરિક ખટપટ આજે ઉડીને આંખે વળગતી હતી. કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ રાજકોટમાં આંદોલનની આગેવાની લઈ રહ્યા હોવા છતાં રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી, કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂત, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, કોર્પોરેટર વશરામ સાગઠીયા સહિતના નેતાઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.
