કેમિકલ બનાવવાની ડિગ્રી ધરાવતાં બે શખ્સોએ ઉંઘ’ની ગોળી બનાવાનું શરૂ કર્યું !
નશેડી’ઓ ઘેનમાં જ રહે તે માટે અલ્પ્રાઝોલમ નામની ૪૨.૭ કરોડ ગોળી બની શકે તેટલો ૧૦૭ કરોડનો જથ્થો પકડાયો
ખંભાતના નેજા ગામે અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરી પર એટીએસનો દરોડો: ૧૫ દિ’ પહેલાં જ ગોરખધંધો શરૂ કર્યો’તો
ગુજરાતમાં એમ.ડી., હેરોઈન, ચરસ, ગાંજા સહિતનું ડ્રગ્સ વારંવાર પકડાઈ રહ્યું હોવાને કારણે સપ્લાયરો, પેડલરો અને બંધાણીઓ નશો કરવા માટે અવનવા નશા કરવા લાગ્યા છે ત્યારે આવો જ એક મોટો દરોડો ખંભાતના નેજા ગામે આવેલી ફેક્ટરી ઉપર એટીએસે પાડીને ૧૦૭ કરોડનો ૧૦૭ કિલો અલ્પ્રાઝોલમ નામની ઉંઘની દવાના જથ્થા સાથે ચાર શખ્સોને પકડી પાડ્યા હતા. પકડાયેલા ચાર પૈકી બે શખ્સો કેમિકલ બનાવવાની ડિગ્રી ધરાવતાં હોય નશાની ગોળી બનાવવાનું કારસ્તાન શરૂ કર્યું હોવાનું પ્રારંભીક તપાસમાં ખુલ્યું છે.

એટીએસ એસપી કે.સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, પીઆઈ એ.એસ.ચાવડા, પી.બી.દેસાઈ સહિતની ટીમે ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલી ગ્રીનલાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડીને રણજી ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા તેમજ જયદીપ મકવાણાને પકડી પાડ્યા હતા. આ ચારેયે ૧૫ દિવસ પહેલાં એક ફેક્ટરી ભાડે રાખી હતી જ્યાં ૧૦૭ કિલો અલ્પ્રાઝોલમ કે જેની કિંમત ૧૦૭ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે તેના જથ્થા ઉપરાંત ૨૫૧૮ કિલો કેમિકલ ઉતાર્યું હતું.
આ ચારેયે મધ્યપ્રદેશના અજય જૈન પાસેથી ૩૦ લાખ રૂપિયા અલ્પ્રાઝોલમ નામની દવા બનાવવા પેટે પણ લીધા હતા ત્યારે ઓર્ડર આપનાર અજય જૈનને પણ એટીએસે પકડી પાડ્યો હતો.
તપાસમાં ખુલ્યા પ્રમાણે રણજી ડાભી પોતાની સત્યમ ટે્રડર્સ નામની કંપની ધરાવે છે તેમજ વિજય મકવાણા અને હેમંત પટેલ કેમિકલ બનાવવાની ડિગ્રી ધરાવે છે. આ બન્ને અગાઉ ખંભાતમાં ક્રિષાંક ફાર્મા નામની ફેક્ટરીમાં નોકરી કરતા હતા જ્યારે લાલજી મકવાણા અને જયદીપ મકવાણા તેમને ત્યાં નોકરી કરતા હતા.
પોલીસે જે જથ્થો પકડ્યો છે તે ૧૦૭ કિલો અલ્પ્રાઝોલમમાંથી ૦.૨૫ મીલીગ્રામની ૪૨.૮ કરોડ ટેબ્લેટ બનાવી શકાય તેમ હતી.
બહુ જરૂર હોય તો જ ડૉક્ટર અલ્પ્રાઝોલમ લખી આપે છે
જાણવા મળ્યા પ્રમાણે કોઈ વ્યક્તિ તણાવમાં રહેતી હોય કે ઉંઘ ન આવતી હોય તો જૂજ કિસ્સામાં ડૉક્ટર દ્વારા તેને અલ્પ્રાઝોલમની એક ગોળી લખી આપવામાં આવે છે. જો કે આ ગોળીથી વ્યવસ્થિત ઉંઘ આવી જતી હોવાથી નશેડીઓ ગમે તેમ કરીને આ ગોળી મેળવીને તેનો નશો કરતા હોય છે.
વધુ પ્રમાણમાં ગોળી લેવાથી ઉંઘમાં થઈ જાય છે રામ નામ સત્ય…!
જો અલ્પ્રાઝોલમ ગોળી વધુ માત્રામાં લેવામાં આવે તો ઉંઘ તો આવી જાય છે પરંતુ ઉંઘમાં જ ગોળી લેનાર વ્યક્તિનું રામ નામ સત્ય મતલબ કે મૃત્યુ થઈ જતું હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે ત્યારે આ ગોળી ડૉક્ટરની સલાહ વગર લેવી બિલકુલ હિતાવહ નથી. એટીએસ દ્વારા મધ્યપ્રદેશના અજય જૈનને પણ દબોચી લેવામાં આવ્યો છે ત્યારે ટૂંક સમયમાં સપ્લાયનું મોટું નેટવર્ક ખુલવાની શક્યતા છે.
