ભારત અને ચીન વચ્ચે આવતીકાલે સેનાના કમાન્ડર લેવલની મંત્રણા
19 માં રાઉન્ડની આ ચર્ચામાં કેટલાક પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ થશે
ભારત અને ચીન વચ્ચે કમાન્ડર લેવલની 19મા રાઉન્ડની વાતચીત આવતીકાલે થશે. આ દરમિયાન લદ્દાખ સાથેની પૂર્વ સરહદ પરના તણાવને સમાપ્ત કરવાની દિશામાં બંને દેશોના સૈન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.
આ પહેલા બંને દેશો વચ્ચે કમાન્ડર લેવલની વાતચીતના 18 રાઉન્ડ થઈ ચૂક્યા છે. એક મીડિયા સુત્રના અહેવાલ મુજબ ચુશુલ-મોલ્ડો વિસ્તારમાં ભારતીય પક્ષે 19મા રાઉન્ડની વાતચીત થવાની સંભાવના છે.
ઉચ્ચ-સ્તરની સૈન્ય વાટાઘાટોના આગામી ક્રમમાં, ભારત પૂર્વી લદ્દાખના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાંથી સૈનિકોને છૂટા કરવાનો આગ્રહ કરી શકે છે. બંને દેશો વચ્ચે વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે વર્તમાનમાં LAC પર ચીનની સૈન્ય ગતિવિધિઓ વધી છે.
હવે આવતી કાલે ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રશિમ બાલી ચીની સેનાના પ્રતિનિધિઓ સાથે વાતચીત માટે ભારતીય પક્ષનું નેતૃત્વ કરશે. વિદેશ મંત્રાલય અને ITBPના અધિકારીઓ પણ વાટાઘાટોમાં ભાગ લે તેવી શક્યતા છે.
બંને પક્ષો DBO અને CNN જંકશન તેમજ અન્ય બાબતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. ભારત પૂર્વી લદ્દાખના મોરચેથી સૈનિકો પાછા ખેંચવા માટે પણ દબાણ કરી શકે છે.