રાજકોટ : બી.કોમનો અભ્યાસ કરી દવાખાનું શરૂ કરતાં બોગસ ડોક્ટરની ધરપકડ
- પોલીસે ત્રંબામાં કોઈપણ જાતની ડિગ્રી વગર દર્દીઓની જિંદગી સાથે ચેડા કરતા શખસ સામે નોંધ્યો ગુનો
શહેરના છેવાડે આવેલા ત્રંબા ગામે બી.કોમ સુધીના અભ્યાસ બાદ દવાખાનું શરૂ કરીને કોઈપણ જાતની ડિગ્રી વગર દર્દીઓની જિંદગી સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી લઇ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો અનુસાર, આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ નક્કી ડોકટર શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળેલી કે, આધારે ત્રંબા ગામે રામજી મંદિર નજીક એક દુકાનમાં કોઈપણ જાતનું બહાર દવાખાનાનું બોર્ડ માર્યા વગર દર્દીઓની સારવાર કરી રહેલ છે. સ્થળ પર પહોંચેલ પોલીસ સ્ટાફે દુકાનમાં ખુરશી પર ગાળામાં સ્ટેથોસ્કોપ રાખીને બેઠેલા શખ્સ પાસેથી ડોક્ટર હોવાની કોઈ મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ માંગતા રજૂ કર્યા ન હતા તેમજ પોતાની પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હોવાનું જણાવ્યું હતું.

પોલીસની પૂછપરછમાં આ બોગસ ડોક્ટરે પોતાનું નામ જીગર વલ્લભભાઈ મોલિયા ( ઉ. વ.૪૧) રહે. સોરઠીયા વાડી સર્કલ કોઠારીયા કોલોની તેમજ આરોપી જીગર આગાઉ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો જોય જેના અનુભવના આધારે છેલ્લા એક વર્ષથી અહી દવાખાનું ખોલી દર્દીઓને એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન અને બાટલા ચડાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ બોગસ ડોકટરે શરૂ કરેલા દવાખાનામાંથી જુદી-જુદી દવાઓ ઇન્જેક્શન તેમજ મેડીકલના સાધનો સહિત રૂ.૧૧૪૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર અને જિલ્લામાં અગાઉ પણ આવા કેટલાક કમ્પાઉન્ડરનો અનુભવ ધરાવતા શખ્સો બોગસ ડોક્ટર બનીને લાંબા સમય સુધી દર્દીઓનો સ્વાસ્થ સાથે ચેડા કરતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.ત્યારે આવા બની બેસેલા બોગસ ડોક્ટરને પકડી સરકાર કોઈ કઠોર કાર્યવાહી કરે તેવું લોકમુખે ચર્ચાય રહ્યુ છે.