દેશમાં વકફ બોર્ડ પાસે કેટલી સંપત્તિઓ પર ગેરકાયદે કબજો છે ? કોણે આપી માહિતી ? જુઓ
દેશમાં વકફ બિલની સામે વિપક્ષ દ્વારા સરકાર સામે તીર તાકવામાં આવ્યું છે ત્યારે તેની વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વક્ફ દ્વારા કુલ 994 મિલકતો પર ગેરકાયદે રીતે અતિક્રમણ કરવામાં આવ્યું છે, જેમાંથી એકલા તમિલનાડુમાં સૌથી વધુ 734 મિલકતો પર ગેરકાયદે કબજો મેળવવામાં આવ્યો છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના નેતા જોન બ્રિટાસના પ્રશ્નોના લેખિત જવાબમાં, લઘુમતી બાબતોના મંત્રાલયે વક્ફ અંગે ઉપલબ્ધ માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે દેશમાં વક્ફ એક્ટ હેઠળ 872,352 સ્થાવર અને 16,713 જંગમ વક્ફ મિલકતો નોંધાયેલી છે.
તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં સૌથી વધુ
લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જવાબ આપતાં કહ્યું કે, ‘ઉપલબ્ધ માહિતી મુજબ વક્ફ દ્વારા 994 મિલકતો પર ગેરકાયદે કબજો કર્યો હોવાની માહિતી મળી છે. દેશભરમાં આવી કુલ 994 મિલકતોમાંથી, તમિલનાડુમાં 734 મિલકતો પર વક્ફ ગેરકાયદે કબજો ધરાવે છે. આ સિવાય આંધ્રપ્રદેશમાં 152, પંજાબમાં 63, ઉત્તરાખંડમાં 11 અને જમ્મુ અને કાશ્મીરમાં 10 મિલકતો પર ગેરકાયદે કબજો કર્યો છે.
2019 થી જમીન આપવાનું બંધ
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે સોમવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, 2019થી કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ બોર્ડને કોઈ જમીન આપવામાં આવી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા 2019થી અત્યાર સુધી વક્ફ બોર્ડને આપવામાં આવેલી જમીન વિશેની માહિતી અંગેના પ્રશ્નના જવાબમાં આ અંગે જણાવ્યું હતું.
જ્યાં સુધી આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયનો સંબંધ છે, 2019થી ભારત સરકાર દ્વારા વક્ફ બોર્ડને કોઈ જમીન આપવામાં આવી નથી. ગયા અઠવાડિયે, જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે પેનલે રાજ્ય સરકારોને તેમના અધિકારક્ષેત્ર હેઠળની વિવાદિત વકફ મિલકતોની વિગતો માંગવા માટે પત્ર લખ્યો છે.