ગરવા ગિરનારની લીલી પરિક્રમા પૂરી કરે તે પહેલા જ 2 વ્યક્તિ પરમાત્મા પાસે પહોંચી ગયા : હાર્ટએટેકથી મોત
ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆર કારતક સુદ અગિયારસ એટલે કે દેવ દિવાળીએ શરૂ થતી હોય છે. ત્યારે દર વખતેની જેમ આ વખતે પણ દેવ દિવાળી પહેલા જ લોકો મોટી સંખ્યામાં આવી પહોંચતા તંત્રએ વહેલી પરિક્રમા શરૂ કરી દીધી છે. બે દિવસ પહેલા જ પરિક્રમા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે પરિક્રમા કરવા આવેલા 2 શ્રધ્ધાળુઓના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે.
આજે મધરાતે સાધુ સંતો, રાજકીય અગ્રણીઓની હાજરીમાં પરિક્રમાનો વિધિવત આરંભ થશે. ત્યારે પરિક્રમા શરૂ થાય તે પહેલા જ શ્રધ્ધાળુઓ ગુજરાતના ખૂણે-ખૂણેથી પહોંચ્યા છે ત્યારે પરિક્રમા દરમિયાન એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જસદણના નવાગામના 57 વર્ષના પરશોત્તમભાઈ અને રાજકોટના 64 વર્ષના મહેશભાઈ રૂડાભાઈ નામના બે શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ ઘટનામાં પરશોત્તમભાઈનું મોત તળેટીમાં હાર્ટ એટેક આવતા મોત થયાનું જ્યારે રાજકોટના મહેશભાઈનું માળવેલા ઘોડી પાસે મોત થયાની વિગતો મળી રહી છે.
જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમામાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઠેક-ઠેકાણેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે પહોંચતા હોય છે. શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં જોઈને ત્યાં સ્વયમ સેવકો દ્વારા કેટલીક વ્યવસ્થાઓ પણ કરવામાં આવતી હોય છે. જેમાં રહેવા-જમવા સહિતની સુવિધાઓનો સમાવેશ થતો હોય છે.
લીલી પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
લીલી પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગિરનાર તરફ જવા વન વે રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે. ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. લીલી પરિક્રમામાં વીસ લાખ લોકોના આવવાના અંદાજને ધ્યાને લઇ એસ પી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.શહેરના 427 કેમેરાઓ થી સતત નજર રાખવામાં આવશે.
