રાજકોટમાં ડેંગ્યુ-મેલેરિયા-ટાઈફોઈડના ભયાનક રાસ’
પ્રાચીન-અર્વાચીન રાસોત્સવમાં પણ જ્યાં જુઓ ત્યાં ઠોં ઠોં કરતાં ખેલૈયા: તાવ-ઝાડા-ઊલટીના કેસનો પણ રાફળો ફાટ્યો
રાજકોટમાં અત્યારે ઠેર-ઠેર રાસોત્સવની ધૂમ ચાલી રહી છે. ખલૈયાઓ અવનવા સ્ટેપ્સ સાથે રાસ લઈ રહ્યા છે ત્યારે રોગચાળાએ પણ
ભયાનક રાસ’ લેવાનું શરૂ કરી દેતાં લોકોમાં ગજબનો ડર જોવા મળી રહ્યો છે. એકંદરે પ્રાચીન-અર્વાચીન રાસોત્સવમાં પણ જ્યાં જુઓ ત્યાં ખેલૈયાઓ ઠોં ઠોં કરતા મતલબ કે ઉધરસ ખાતાં જોવા મળી રહ્યા હોય રાજકોટમાં રોગચાળાની સ્થિતિ કેટલી ગંભીર છે તેનો ખ્યાલ સચોટ આવી જાય છે.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જે પ્રમાણે તા.૩૦-૯-૨૦૨૪થી તા.૬-૧૦-૨૦૨૪ સુધીના સાત દિવસમાં મેલેરિયાના ૨ (વર્ષના ૨૮), ડેંગ્યુના ૨૬ (વર્ષના ૨૪૮) દર્દી મળ્યા છે. આ ઉપરાંત શરદી-ઉધરસના ૧૦૦૬ (વર્ષના ૩૮૯૭૬), સામાન્ય તાવના ૬૩૧ (વર્ષના ૧૫૦૩૩), ઝાડા-ઊલટીના ૧૮૩ (વર્ષના ૧૦૬૧૮) અને ટાઈફોઈડના ૫ (વર્ષના ૭૬) દર્દી મળ્યા છે.