ભારતમાં લડાઈ એ વાતની છે કે શીખો પાઘડી પહેરી શકે કે નહીં
અમેરિકામાં રાહુલે કરેલા ઉચ્ચારણોથી ભારે વિવાદ
અમેરિકાના જ્યોર્જટાઉનમાં ભારતીય મૂળના લોકોને સંબોધતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શીખ સમુદાયનો ઉલ્લેખ કરીને કરેલા નીવદનોએ ભારે વિવાદ સર્જ્યો છે.રાહુલ ગાંધી વિદેશમાં ભારતને બદનામ કરતા હોવાના આક્ષેપ સાથે ભાજપના નેતાઓ અને પ્રવકતાઓએ રાહુલને 1984 ના શીખ નરસંહાર ની યાદ અપાવી હતી.
જ્યોર્જટાઉનમાં રાહુલને સાંભળવા મોટી સંખ્યામાં યુએસમાં વસતા શીખ સમુદાયના લોકો ઉમટી પડ્યા હતા તેમને સંબોધતા રાહુલે કહ્યું હતું કે ભારતમાં શેની લડાઈ ચાલે છે એ સમજવું પડશે. લડાઈ રાજકારણની નથી. બહુ ઉપરછલ્લા મુદ્દાઓનો ઝઘડો છે. લડાઈ એ બાબતે થાય છે કે ભારતમાં શીખોને પાઘડી પહેરવાની મંજૂરી હોવી જોઈએ કે નહીં?કે ભારતમાં શીખો ને કડું પહેરવાની કે ગુરુદ્વારામાં જવાની છૂટ હોવી જોઈએ કે નહીં?રાહુલે કહ્યું કે ઝગડો આવી વાતોનો છે અને માત્ર શીખો નહીં દરેક ધર્મ માટેનો ઝઘડો છે.
તેમના આ નિવેદનના ભારતમાં ઘરઆંગણે ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. કેન્દ્રીય મંત્રી હરદિપ પૂરીએ શીખો અંગે રાહુલે ફેલાવેલી ખોટી માહિતીને ખૂબ ખતરનાક ગણાવી હતી. તેમણે કહ્યું કે હું દાયકાઓ થી પાઘડી અને કડું પહેરું છું અને મને કોઈ તકલીફ નથી. તેમણે કહ્યું કે શીખોને એકમાત્ર તકલીફ થઈ હોય તો 1984 ના તોફાનો વખતે થઈ હતી અને ત્યારે કોંગ્રેસનું શાસન હતું. રાહુલ ગાંધીએ અમેરિકાની મુલાકાત દરમિયાન કરેલા અન્ય ભાષણોમાં પણ ભારતને નીચા દેખાડ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે અટલ બિહારી બાજપાઈ વિપક્ષના નેતા હતા ત્યારે તેમણે વિદેશમાં જઈને ક્યારેય ભારતની સરકારની નિંદા નહોતી કરી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ રાહુલ ગાંધીને ભારત કરતાં ચીન ઉપર વધારે પ્રેમ હોવાનો કટાક્ષ કર્યો હતો. ભાજપના અન્ય પ્રવક્તા ગૌરવ ભાટીયાએ રાહુલ ગાંધીને લોકશાહીના કલંક સમાન ગણાવ્યા હતા.
ત્રેવડ હોય તો શીખ સમાજ અંગે ભારતમાં ટિપ્પણી કરવા આહવાન
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા આરપી સિંઘે કહ્યું કે 1984માં કોંગ્રેસના શાસનમાં 3000 શીખોની કતલે આમ થઈ હતી. તેમની પાઘડીઓ ઉતારી લેવામાં આવી હતી. માથાના કેશ કાપી નાખવામાં આવ્યા હતા અને દાઢી પણ મુંડી દેવાઇ હતી એ વાત રાહુલ ગાંધી અમેરિકામાં કહેવાનું ભૂલી જાય છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીમાં ત્રેવડ હોય તો એ ઉચ્ચારણો ભારતની ભૂમિ ઉપર કરે અને તો હું તેમને અદાલત માટે થઈ જઈશ.
