ગુજરાતની સૌપ્રથમ BSL-3 લેબોરેટરીનું એઈમ્સમાં કામ શરૂ
૧૪ કરોડના ખર્ચે દોઢ વર્ષમાં કામ થશે પૂર્ણ: લેબને કારણે ચાંદીપુરા, ડેંગ્યુ, કોંગો, ઓરી સહિતના ટેસ્ટ રાજકોટમાં જ થશે: એમઓયુની પ્રક્રિયા સંપન્ન
રાજકોટમાં નિર્માણ પામેલી ગુજરાતની પહેલી એઈમ્સ હોસ્પિટલમાં એક બાદ એક આધુનિક સુવિધાથી સજ્જ થઈ રહી છે. બીજી બાજુ એઈમ્સમાં દરેક પ્રકારના ગંભીર રોગનું ટેસ્ટીંગ થઈ શકે અને દર્દીનું સેમ્પલ ગાંધીનગર કે પૂના ન મોકલવું પડે તે માટે આઈસીએમઆર દ્વારા બીએસએલ-૩ લેબોરેટરી બનાવવા માટે ૧૪ કરોડની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવતાં કામ પૂરપાટ ઝડપે શરૂ કરી દેવામાં આવ્યું છે અને દોઢ વર્ષથી અંદર તે પૂર્ણ થઈ જશે.
આ માટે એઈમ્સ રાજકોટ અને એચએલએલ લાઈફકેર લિમિટેડ વચ્ચે એમઓયુની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ એમઓયુ રાજકોટ એઈમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો.ડૉ.કર્નલ સી.ડી.એ.સકટોચ વતી ડેપ્યુટી ડાયરેક્ટર (એડમિન) કર્નલ પુનિતકુમાર અરોરા અને વિભાગના વડા ડૉ.કર્નલ અશ્વિની અગ્રવાલે હસ્તાક્ષર કર્યા હતા. માઈક્રોબાયોલોજીના અને વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (વીઆરડીએલ) તેમજ બીએસએલ-૩ લેબોરેટરીના પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર એચએલએલ લાઈફકેર લિમિટેડનું પ્રતિનિધિત્વ કરતા સબરીનાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ લેબોરેટરી ડિસેમ્બર-૨૦૨૫ના અંત સુધક્ષમાં કાર્યરત થઈ જવાની શક્યતા છે જે શરૂ થયા બાદ અહીં ગુજરાતમાં પ્રવર્તતા જીવલેણ વાયર જેવા કે કોંગો હેમરેજિક ફીવર અને ચાંદીપુરા વાયરસના નિદાન અને સંશોધનની ક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત ઝીકા, ડેંગ્યુ, ચિકનગુનિયા, જાપાનીઝ એન્સેફાલિટીસ, ઓરી, હેપેટાઈટીસ, ઈન્ફ્લુએન્ઝા, સીઓવીઆઈડી સહિતના વાયરસનું પણ અહીં જ પરિક્ષણ થઈ શકશે.
