સેન્ટ્રલ GSTના ઈન્સ્પેક્ટરને લાંચ લેતાં રંગેહાથે પકડતી CBI
રાજકોટમાં કેન્દ્રીય એજન્સીએ ધામા નાખતાં તરેહ-તરેહની ચર્ચાઓ-અટકળો
ડિવિઝન-૨ કે જેમાં શાપર-વેરાવળ, મેટોડા સહિતના વિસ્તારો આવે છે ત્યાંના એક સીરામિકના ધંધાર્થી પાસેથી લાંચ માંગ્યા બાદ ગોઠવાયું હતું છટકું
બુધવારે સાંજે ૬:૩૦ વાગ્યે પકડ્યા બાદ ગુરૂવારે સવારથી ઓફિસમાં સઘન સર્ચ ઓપરેશન: અનેક લાંચિયા અધિકારીઓ ઝપટે ચડવાના સંકેત
રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બરાબરનો સળગી રહ્યો છે. દરરોજ આ કાંડમાં અવનવા ખુલાસાઓ થઈ રહ્યા છે બરાબર ત્યારે જ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ રાજકોટમાં દરોડો પાડતાં તરેહ-તરેહની ચર્ચાઓ અને અટકળોની આંધી વહેતી થઈ જવા પામી હતી. સીબીઆઈએ રેસકોર્સ રિંગરોડ ઉપર આવેલી સેન્ટ્રલ જીએસટીની કચેરીમાં દરોડો પાડીને ઈન્સ્પેક્ટરને લાંચ લેતાં રંગેહાથે પકડી પાડતાં ભ્રષ્ટાચારમાં જ રચ્યાપચ્યા રહેતા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સેન્ટ્રલ જીએસટીના નવીન કુમાર નામના ઈન્સ્પેક્ટર પાસે ડિવિઝન-૨ કે જેમાં શાપર-વેરાવળ, મેટોડા સહિતના ઔદ્યોગિક વિસ્તારની જવાબદારી આવે છે. આ જ વિસ્તારના સીરામિકના એક ઉદ્યોગપતિને જીએસટી અંગેની નોટિસ ફટકાર્યા બાદ તેના નિપટારા રૂપે નવીનકુમાર દ્વારા દોઢેક લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. જો કે ધંધાર્થી આ પૈસા આપવા માંગતા ન હોય તેમણે ગાંધીનગરની કચેરીનો સંપર્ક કર્યો હતો.
આ પછી ટીમે રેસકોર્સ રિંગરોડ પર આવેલી સી-જીએસટી કચેરીનો ત્રીજો માળ કે જ્યાં નવીનકુમારની ઓફિસ આવેલી છે ત્યાં છટકું ગોઠવ્યું હતું. બુધવારે સાંજે ૬:૩૦ વાગ્યા આસપાસ ધંધાર્થીએ નવીનકુમારને લાંચ આપી કે તુરંત જ રંગેહાથ સીબીઆઈએ તેને પકડી પાડી ઓપરેશન પાર પાડ્યું હતું. નવીનકુમારની ધરપકડ બાદ ગુરૂવારે ટીમે નવીનકુમારને સાથે રાખી તેની ઓફિસ તેમજ ઘર ઉપર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ત્યાંથી પણ મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવ્યા હોવાની વાત સામે આવી રહી છે ત્યારે ટૂંક સમયમાં આ મુદ્દે નવા ધડાકા-ભડાકા થઈ શકે છે.
નવીનકુમાર લાંચ માટે પંકાયેલો
સીબીઆઈએ જેની ધરપકડ કરી છે તે સેન્ટ્રલ જીએસટીનો ઈન્સપેક્ટર નવીનકુમાર લાંચ લેવા માટે પંકાયેલો હોવાનું કચેરીના વર્તુળો પાસેથી જાણવા મળ્યું હતું. અગાઉ પણ તેણે વેપારીઓને ખોટી રીતે હેરાનગતિ કરીને લાંચ કટકટાવી હોવાનો ગણગણાટ શરૂ થયો હોવાથી હવે સીબીઆઈ એ દિશામાં પણ તપાસ શરૂ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી.