રમેશ બીધૂડી પર કેવું સંકટ ઝઝૂમી રહ્યું છે ? શું થઈ શકે છે ? વાંચો
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડનારા ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ રમેશ બિધૂડીના અપમાનજનક નિવેદનોના કારણે પક્ષ ટેન્શનમાં છે. ચૂંટણી પંચે પણ તેનો વિરોધ કરતાં હવે પક્ષ બિધૂડી વિરુદ્ધ એક્શન લઈ શકે છે. આ મુદ્દે પક્ષમાં ચર્ચા થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. એવી ચર્ચા છે કે એમની ટિકિટ છીનવાઇ શકે છે અથવા બેઠક બદલાઈ શકે છે. આતિશી સામે કોઈ મહિલાને જ ઊભા રાખવાની વિચારણા પણ ચાલી રહી છે.
બિધૂડીએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને બાદમાં આતિશી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. જેના લીધે મત વિસ્તાર સહિત દિલ્હીમાં ભાજપની છબી ખરડાઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ છબી સુધારવા માટે ભાજપ બિધૂડીની ટિકિટ રદ કરી મહિલા ઉમેદવારને મેદાન પર ઉતારી શકે છે.
દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પણ કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડવાના છે. બિધૂડીના નિવેદનો બાદ ભાજપ સંગઠનની ઓછામાં ઓછી બે બેઠકો થઈ ચૂકી છે. જેમાં તેમની ટિકિટ કાપવા સહમતિ મળી છે. દક્ષિણ દિલ્હીમાંથી બે વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બિધૂડી ગુર્જર સમુદાયના દિગ્ગજ નેતા છે. ભાજપના સૂત્રે જણાવ્યું કે, આતિશી તેમજ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ બિધૂડીના નિવેદનના કારણે પક્ષ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ તેમને ફિટકાર પણ લગાવી છે. તેમજ તેમના સ્થાને કોઈ મહિલાને કાલકાજીની ટિકિટ આપવા વિચારણા થઈ રહી છે.