કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો ચુકાદો સુરક્ષિત
સુપ્રિમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી ઉપર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને તમામ પક્ષકારોને લેખિતમાં સોગંદનામુ રજૂ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે.
લીકર કૌભાંડમાં ઇડીએ કેજરીવાલની ૨૧મી માર્ચે ધરપકડ કરી હતી અને આ ધરપકડ તથા રિમાન્ડને કેજરીવાલ દ્વારા પડકારવામાં આવી હતી.
આ મામલામાં સુપ્રિમ કોર્ટમાં સુનાવણી પૂરી થઇ ગઈ છે અને કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.
બીજી તરફ આજે ઇડીએ કોર્ટમાં લીકર કૌભાંડમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સામે પુરક ચાર્જશીટ દાખલ કર્યું હતું.
દિલ્હી પોલીસની ટીમે કેજરીવાલના ઘરમાં કરી તપાસ
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સ્વાતી માલીવાલ સાથે સી.એમ.હાઉસમાં થયેલી બદસલૂકી મામલામાં આજે દિલ્હી પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ કેજરીવાલના નિવાસ્થાને ગઈ હતી અને તપાસ કરી હતી. આ ટીમ એક કલાક સુધી કેજરીવાલના ઘરમાં રોકાઈ હતી અને જરૂરી પુરાવા એકત્ર કર્યા બાદ રવાના થઇ ગઈ હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, ફોરેન્સિકની ટીમે કેટલા સી.સી.ટીવી ફૂટેજ કબજે કર્યા છે. સ્વાતી માલીવાલે પણ કહ્યું હતું કે, સી.એમ. હાઉસની અંદરનાં ફૂટેજ ચક્સવામા આવે તો મારી સાથે જે થયું તે ખબર પડી જશે.
