રૂડા’ના વિકાસ ચાર્જમાં વધારો: ખુલ્લી જમીનના પ્રતિ ચો.મી. ૫૦ વસૂલાશે
રહેણાક હેતુના ખુલ્લા પ્લોટ પર અત્યાર સુધી રૂા.૨થી ૮ વસૂલાતા જે રૂા.૩૦ અને કોમર્શિયલ હેતુના પ્લોટ પર અત્યાર સુધી રૂા.૪થી ૧૦ વસૂલાતા જે રૂા.૫૦ કરવાનું સુચન કરતાં ચેરમેન
અમદાવાદ, બારડોલી, ભરુચ સહિતની અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના દરનો અભ્યાસ કર્યા બાદ કરાયેલી જાહેરાત: ત્રણ મહિનામાં વાંધા-સુચનો કરવા અપીલ
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા વિકાસ ચાર્જમાં વધારો સુચવવામાં આવ્યો છે.
રૂડા’ વિસ્તારમાં ખુલ્લા પ્લોટ તેમજ પ્લોટમાં કરાયેલા બાંધકામની પ્રતિ ચોરસ મીટર આકારણી કર્યા બાદ તે પ્રમાણે દર વસૂલ કરવામાં આવતો હતો જે અત્યંત નજીવો હોવાને કારણે તંત્રને પૂરતી આવક થઈ રહી ન્હોતી. બીજી બાજુ રૂડા' વિસ્તારમાં વસતીમાં સતત વધારો થઈ રહ્યો હોય આ દરમાં ફેરફાર કરવાની જરૂરિયાત જણાતાં મ્યુનિસિપલ કમિશનર-
રૂડા’ ચેરમેન આનંદ પટેલ દ્વારા ચારથી પાંચ ગણો વધારો સુચવવામાં આવ્યો છે. સુચન પ્રમાણે હવેથી રૂડા' વિસ્તારમાં ખુલ્લા પ્લોટનો ૩૦થી ૫૦ રૂપિયા સુધી પ્રતિ ચો.મી. દર વસૂલવામાં આવશે.
આ અંગે ચેરમેન આનંદ પટેલે
વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમદાવાદ, બારડોલી, ભરુચ સહિતની અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના દરનો અભ્યાસ કર્યા બાદ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના દર અત્યંત ઓછા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. `રૂડા’ હસ્તકના વિસ્તારનો વિકાસ કરવા માટે આવકના બહુ વધુ સ્ત્રોત ન હોવાથી ખુલ્લા પ્લોટ તેમજ બાંધકામ કરાયેલા પ્લોટનો દર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે અને લોકોને ત્રણ મહિનાની અંદર વાંધા-સુચન રજૂ કરવા માટે અપીલ કરાઈ છે જે આવી ગયા બાદ દર લાગુ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે રાજકોટમાં અત્યાર સુધી ખુલ્લા પ્લોટ પર ૨થી ૮ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હતા જે ૩૦ રૂપિયા કરવાનું સુચન કરાયું છે. આવી જ રીતે કોમર્શિયલ હેતુના ખુલ્લા પ્લોટનો દર ૪થી ૧૦ રૂપિયા હતો જે ૫૦ રૂપિયા સુચવવામાં આવ્યા છે. આવી જ રીતે બિલ્ટ અપ એરિયા મતલબ કે પ્લોટમાં જેટલું બાંધકામ હશે તેના પ્રતિ ચો.મી. (રહેણાક)દીઠ ૧થી ૪ રૂપિયા વસૂલાતા હતા જે ૪૦ રૂપિયા અને કોમર્શિયલ હેતુના ૮થી ૩૦ રૂપિયા વસૂલાતા હતા જે ૫૦ રૂપિયા સુચવાયા છે.
અત્યાર સુધી `રૂડા’ને ૮થી ૧૦ કરોડની આવક થતી જેમાં થઈ શકે બમણો વધારો
જાણવા મળ્યા પ્રમાણે વિકાસ ચાર્જની વસૂલાત કરીને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને અત્યાર સુધી ૮થી ૧૦ કરોડ રૂપિયાની આવક થઈ રહી હતી જેમાં જો સુચવાયેલા દર મંજૂર થશે તો બમણો મતલબ કે ૧૫થી ૨૦ કરોડ રૂપિયાની આવક થાય તેવી શક્યતા છે. મહત્ત્વનું એ છે કે રૂડા હેઠળના વિસ્તારોનો વિકાસ કરવા માટે અત્યારે ઓછી ગ્રાન્ટ મળી રહી હોવાથી પૂરતા વિકાસકાર્યો થઈ શકતા નથી. અત્યારે રૂડા હેઠળના બે રોડ મંજૂર થયા છે જે બનાવવા માટે પણ ગ્રાન્ટ જરૂરી ગ્રાન્ટ જરૂરી હોવાથી આ રીતે વિકાસચાર્જમાં વધારો કરી વિકાસકાર્ય કરી શકાય તેમ છે.
વાંધા-સુચનનો અભ્યાસ કર્યા બાદ મંજૂરી માટે સરકારને મોકલાશે
મ્યુનિસિપલ કમિશનર કમ રૂડા ચેરમેન આનંદ પટેલે જણાવ્યું કે ત્રણ મહિનાની અંદર લોકોના વાંધા-સુચન આવી ગયા બાદ તેનો અભ્યાસ કરીને મંજૂરી માટે સરકારને મોકલવામાં આવશે અને સરકાર તરફથી મંજૂરી મળ્યે નવા દર લાગુ કરવામાં આવશે.