ચીન સામે ભારતે શું વલણ અપનાવ્યું ? જુઓ
ચીન સામે ભારત આક્રમક, લદાખમાં વધુ 10 હજાર સૈનિકો ગોઠવી દીધા
ચીન દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિ ચાલુ જ રાખવામાં આવી છે ત્યારે ભારતે પણ તેની સામે આક્રમક વલણ લીધું છે. ભારતે પૂર્વ લદાખમાં એલએસી પાસે વધુ સૈનિકો તૈનાત કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ચીનને આ વાત પસંદ નથી આવી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે વિવાદિત સરહદ પર વધુ સૈનિકો તૈનાત કરવાનું ભારતનું પગલું “તણાવ ઘટાડવા માટે અનુકૂળ નથી”.
ભારતે તેની પશ્ચિમી સરહદેથી 10,000 સૈનિકોની ટુકડી ખસેડી છે અને તેને ચીન સાથેની વિવાદિત સરહદને મજબૂત કરવા માટે ઉત્તરીય સરહદની નજીક તહેનાત કરી દીધી છે. ભારતના આ વ્યૂહાત્મક પગલાથી ચીન નારાજ છે. ભારતે તેની પરવા કરી નથી. એલએસી પાસે ભારતીય જવાનોની સંખ્યા ખૂબ વધારી દેવાઈ છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે “અમે સરહદ અને તેની આસપાસના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા માટે ભારત સાથે મળીને કામ કરવા માટે તૈયાર છીએ. એલએસીને લઈને ભારતના પગલાં શાંતિ સ્થાપિત કરવાની તરફેણમાં નથી.
ચીન સાથેના તણાવને ધ્યાનમાં રાખીને બરેલી સ્થિત ઉત્તર ભારત વિસ્તારને સંપૂર્ણ આર્મી કોરમાં રૂપાંતરિત કરવામાં આવશે. હાલમાં તે એક મુખ્યરૂપે વહીવટી, તાલીમ અને અન્ય શાંતિ રક્ષા હેતુઓ માટે રચાયેલું છે. તેને હવે વધારાની આર્મી, આર્ટિલરી, એવિયેશન, એર ડિફેન્સ અને એન્જિનિયર બ્રિગેડ સાથે સંપૂર્ણ કોરમાં રૂપાંતરિત કરવામાં આવશે.
