૨૩ ફેબ્રુઆરીથી મહિલા પ્રિમીયર લીગ: ૧૭ માર્ચે ફાઈનલ મુકાબલો
દિલ્હી-મુંબઈ વચ્ચે પહેલી ટક્કર: દિલ્હી-બેંગ્લોરમાં જ રમાશે આખી ટૂર્નામેન્ટ
મહિલા પ્રિમીયર લીગનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. પાછલા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર પહેલો મુકાબલો રમાશે. આ મેચ ૨૩ ફેબ્રુઆરીએ રમાશે જ્યારે ટૂર્નામેન્ટનો ફાઈનલ ૧૭ માર્ચે દિલ્હીમાં રમાશે.
આ વર્ષની ટૂર્નામેન્ટમાં ૨૨ મેચ રમાશે અને ટોચ પર રહેનારી ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે. જ્યારે એલિમિનેટરમાં બીજા અને ત્રીજા સ્થાન પર રહેનારી ટીમ ટકરાશે. તમામ મેચ સાંજે ૭:૧૦ વાગ્યે શરૂ થશે તો એલિમિનેટર મુકાબલો ૧૫ માર્ચે રમાશે.
પાછલી સીઝનની જેમ આ વખતની સીઝનમાં હોમ-અવે ફોર્મેટ નહીં હોય. જો કે આ વખતની સીઝન બે શહેરો દિલ્હી-બેંગ્લોરમાં જ પૂરી થશે. પાછલા વર્ષે મહિલા પ્રિમીયર લીગનો ખીતાબ ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને સાત વિકેટે હરાવીને જીત્યો હતો. દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મૈગ લૈનિંગ ૩૪૫ રન બનાવીને ટૂર્નામેન્ટની ટોપ સ્કોરર હતી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ વતી રમતી હેલે મૈથ્યુઝે ૧૦ મેચમાં ૧૬ વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી.