કોરોનાની દવા લેવાથી શું થયું જુઓ
હાઇડ્રોક્સીક્લોરોક્વિનથી અમેરિકા, તુર્કી, બેલ્જિયમ, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીમાં હાહાકાર
વર્ષ 2020 માં, જ્યારે કોરોના ચરમસીમા પર હતો, ત્યારે વિશ્વના ઘણા દેશોએ હાઇડ્રોક્સીક્લોરોક્વિન (HCQ) ની માંગ શરૂ કરી હતી. આ મેલેરિયાની દવા છે પરંતુ, વિદેશોમાં તેનો વ્યાપક ઉપયોગ થતો હતો. તે દરમિયાન અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નાગરિકોને હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. પરંતુ હવે આ અંગે એક મોટો ખુલાસો થયો છે.
ફ્રેન્ચ સંશોધકોએ એક અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે, HCQ લેવાથી છ દેશોમાં લગભગ 17,000 લોકોના મૃત્યુ થયા છે. આના કારણે અમેરિકામાં સૌથી વધુ 12,739 લોકોના મોત થયા છે જ્યારે, સ્પેનમાં 1895 લોકો, ઈટલીમાં 1822, બેલ્જિયમમાં 240, ફ્રાન્સમાં 199 અને તુર્કીમાં 95 લોકોના મોત થયા છે.
સંશોધકોનું કહેવું છે કે, મૃત્યુઆંક વધુ પણ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, આ અભ્યાસ માત્ર માર્ચ 2020 થી જુલાઈ 2020 સુધી કરવામાં આવ્યો હતો અને તેમાં માત્ર 6 દેશોનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો.
નોંધાયેલા 17,000 મૃત્યુમાંથી, તેઓ હૃદયની નિષ્ફળતા અને સ્નાયુઓની નબળાઇને કારણે મૃત્યુ પામ્યા હતા. આ સંશોધન અમેરિકા, તુર્કી, બેલ્જિયમ, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીમાં કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેઓએ કઈ દવાઓ લીધી તેના પર નજર રાખવામાં આવી હતી.
ટ્રમ્પે અમેરિકામાં મંજૂરી આપી હતી
જ્યારે અમેરિકામાં કોરોના ચરમસીમા પર હતો ત્યારે 28 માર્ચે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને HCQ ના ઉપયોગને મંજૂરી આપી હતી અને તેનું પરીક્ષણ પણ શરૂ કર્યું હતું. જો કે, તેનો ઉપયોગ પાછળથી બંધ કરવામાં આવ્યો હતો કારણ કે, ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનએ એક અભ્યાસ હાથ ધર્યો હતો અને જાણવા મળ્યું હતું કે, કોવિડ પર HCQ ની કોઈ અસર નથી થતી. તેનાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આ પછી, તેનો ઉપયોગ 15 જૂન 2020 ના રોજ રદ કરવામાં આવ્યો હતો.