દેશની રાજધાની દિલ્હીમાં મહિલા સુરક્ષાના દાવાઓને લપડાક મારતી વધુ એક હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. કાલકાજી વિસ્તારમાં આવેલા આસ્થા કુંજ પાર્કમાં પોતાના ૧૭મા જન્મદિવસની ઉજવણી કરવા ગયેલી સગીરા પર ત્રણ શખ્સોએ હથિયારોના જોરે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની સનસનાટીભરી ફરિયાદ નોંધાઈ છે. પોતાને પોલીસકર્મી તરીકે ઓળખાવીને આવેલા આ અસામાજિક તત્વોએ સગીરાના મિત્રને બંધક બનાવી મારઝૂડ કરી હતી અને ત્યારબાદ સગીરાની ગરદન પર છરી મૂકી વારાફરતી પાશવી દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મંદિર દર્શન બાદ પાર્કમાં બેસવું ભારે પડ્યું: બોગસ પોલીસ બની આવ્યા આરોપીઓ
પીડિત સગીરાએ નોંધાવેલી એફઆઈઆર (FIR) મુજબ, જન્મદિવસ હોવાથી તે સાંજે કાલકાજી મંદિર દર્શન કરવા ગઈ હતી અને ત્યારબાદ ઈસ્કોન મંદિર જવાનું આયોજન હતું. સાંજે ૭ વાગ્યાની આસપાસ કાલકાજી મેટ્રો સ્ટેશન બહારથી નાસ્તો અને પાણી લીધા બાદ તે પોતાના મિત્ર સાથે આસ્થા કુંજ પાર્કના ગેટ નંબર ૭ થી અંદર પ્રવેશી હતી. બંને એક બેન્ચ પર બેઠા જ હતા કે તરત જ ૩૦ થી ૩૫ વર્ષની વયના ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. તેમણે પોતાને પોલીસ કર્મચારી ગણાવી પાર્કમાં પ્રવેશવા અંગે ધમકાવવાનું શરૂ કર્યું હતું અને સગીરાના મિત્રને પકડીને તમાચો મારી દીધો હતો.
‘આસિફ ભાઈ બંદૂક કાઢ’: હથિયારો બતાવી અંધારામાં લઈ ગયા
આરોપીઓએ બંનેના મોબાઈલ ફોન આંચકી લીધા હતા અને પીડિતાના મિત્રને એક તરફ લઈ જઈ અલગ પાડી દીધો હતો. સગીરાએ જ્યારે વિરોધ કર્યો અને માતા સાથે વાત કરવા જણાવ્યું, ત્યારે આરોપીઓમાંથી એકે બૂમ પાડીને કહ્યું, “આસિફ ભાઈ બંદૂક કાઢ.” જાંબલી રંગનો શર્ટ પહેરેલા કદાવર આસિફે પોતાની કમરમાંથી કાળા રંગની રિવોલ્વર કાઢીને સગીરાને બતાવી ધમકાવી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ છરીઓ કાઢીને સગીરાની ગરદન પર મૂકી દીધી હતી અને તેને પાર્કના અત્યંત અંધારાવાળા અને સૂમસામ ખૂણા તરફ ખેંચી ગયા હતા.
ગરદન પર છરી રાખીને વારાફરતી આચર્યું પાશવી કૃત્ય
પીડિતાએ પોલીસ સમક્ષ વર્ણવેલી આપવીતી અત્યંત ભયાનક છે. મુખ્ય આરોપી આસિફે સગીરાના કપડાં ઉતારી લાલ બેન્ચ પાસે લઈ જઈને હેમુ નામના સાગરીતને ચોકીદારી કરવા ઊભો રાખ્યો હતો. ત્યારબાદ આસિફે ગરદન પર છરી રાખીને સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા પીડાથી કણસતી રહી છતાં નરાધમોને દયા ન આવી. આસિફ બાદ હેમુ તેને બીજી બેન્ચ પર ખેંચી ગયો અને તેણે પણ છરીની અણીએ દુષ્કર્મ આચરી વિકૃતિની હદ વટાવી દીધી. આ બંને બાદ ત્રીજો આરોપી ‘દીપુ’ પણ ત્યાં આવ્યો અને તેણે પણ સગીરાનું ગંભીર જાતીય શોષણ કર્યું હતું.
મોબાઈલ પરત આપી જાનથી મારી નાખવાની ધમકી, પીસીઆર કોલ બાદ પોલીસ તપાસ
આ પાશવી અત્યાચાર ગુજાર્યા બાદ આરોપીઓએ સગીરાને તેના કપડાં ફેંકીને ઝડપથી પહેરી લેવા કહ્યું હતું, જોકે તેના અંતઃવસ્ત્રો પરત આપ્યા નહોતા. ત્યારબાદ આરોપીઓ તેના મિત્રને ત્યાં પાછો લઈ આવ્યા, તેમના મોબાઈલ ફોન પરત સોંપ્યા અને કડક શબ્દોમાં ધમકી આપી કે જો આ ઘટના વિશે કોઈને પણ જાણ કરી તો બંનેને જાનથી મારી નાખવામાં આવશે. આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા બાદ પીડિતાએ તેના મિત્રને સમગ્ર હકીકત જણાવી હતી. મિત્રએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ (PCR) ને ફોન કરીને જાણ કરતા ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
દેશની રાજધાનીમાં સાર્વજનિક પાર્કની અંદર સગીર વયની દીકરી સાથે બનેલી આ કંપાવનારી ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો લગાવી દીધા છે. ખુલ્લેઆમ હથિયારો સાથે પાર્કમાં ફરી રહેલા આવા ગુનેગારોની હિંમત દર્શાવે છે કે તેમને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. હાલ દિલ્હી પોલીસે પોક્સો (POCSO) અને ગેંગરેપ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે પીડિતાને ઝડપી ન્યાય મળે અને આ નરાધમો સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે.
