હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી 13 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ
છેલ્લા થોડા દિવસોથી દેશના અનેક રાજ્યોમાં વાદળ ફાટવાની-વરસાદથી તારાજી સર્જાઈ હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ચોમાસુ દેશના મોટા વિસ્તારોમાં તબાહી મચાવી રહ્યું છે. ગઈકાલે (31 જુલાઈ) દિલ્હીમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો, આજે પણ ભારે વરસાદની આશંકા છે. ત્યારે હિમાચલના કુલ્લુ અને શિમલા જિલ્લાની નજીક વાદળ ફાટ્યું છે, જેમાં લગભગ 44 લોકો ગુમ હોવાનું કહેવાય છે અને 13 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ અને કેરળના વાયનાડમાં પણ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. એટલે કે મેદાનોથી લઈને પર્વતો સુધી વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે.

બંને રાજ્યોમાં વધુ વરસાદની અપેક્ષા છે અને બચાવ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઉત્તરાખંડમાં નવ લોકોના મોત થયા હતા, જેમાં ટિહરીમાં ત્રણ, હરિદ્વાર અને રૂરકીમાં બે-બે અને ચમોલી અને દેહરાદૂનમાં એક-એકનો સમાવેશ થાય છે. બુધવારે સાંજે ટિહરી જિલ્લાના ઘનસાલી વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા છ ઘાયલ થયા હતા. આમાંથી એક પીડિત વિપિન (30)ને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફને કારણે પિલખીથી ઋષિકેશ એઈમ્સમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

ટિહરીના જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે ઈન્ડિયા ટુડે/આજ તકને જણાવ્યું કે ચારધામ યાત્રાને જોડતા પુલના નિર્માણમાં ચારથી પાંચ દિવસનો સમય લાગી શકે છે.તેમણે એમ પણ કહ્યું કે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને તેઓ ટૂંક સમયમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ શકે છે. ધનસાલી ધારાસભ્ય શક્તિલાલ શાહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો.
હિમાચલમાં વાદળ ફાટ્યું
હિમાચલ પ્રદેશમાં અનેક વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે ત્રણ લોકો ગુમ થયા છે. જેમાં મંડીના બે અને રામપુરના બે લોકોનો સમાવેશ થાય છે. ગુરુવારે શિમલા જિલ્લાના રામપુર વિસ્તારમાં સમેજ ખાડ ખાતે હાઇડ્રો પ્રોજેક્ટ સાઇટની નજીક વાદળ ફાટવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 36 લોકો ગુમ છે. તે જ સમયે, મંડીમાં આઠ લોકો લાપતા છે.ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે જણાવ્યું કે રામપુર સબ-ડિવિઝન એડમિનિસ્ટ્રેશન, એનડીઆરએફ, એસડીઆરએફ, સીઆઈએસએફ અને હોમગાર્ડના અધિકારીઓની એક ટીમ ભારે વરસાદ વચ્ચે રામપુરમાં બચાવ કામગીરીમાં સામેલ છે.