માતા બીજા લગ્ન કરે તો પુત્રીનો પિતાની સંપત્તિમાં અધિકાર યથાવત જ રહે છે : હાઇકોર્ટ
પતિના મૃત્યુ પછી જો કોઈ વિધવા બીજા લગ્ન કરે છે, તો શું તેની પુત્રીનો તેના પિતાની મિલકત પરનો અધિકાર પણ સમાપ્ત થાય છે? મદ્રાસ હાઈકોર્ટે આ પ્રશ્ન પર એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જૂના હિન્દુ વારસા કાયદા હેઠળ, માતાના બીજા લગ્ન તેના પોતાના વારસાના અધિકારોને અસર કરી શકે છે, પરંતુ આનાથી પુત્રીના સ્વતંત્ર વારસાના અધિકારોને અસર થતી નથી. તેના મૃત પિતાની પુત્રી પિતાની મિલકતમાં કાનૂની વારસદાર છે.
આ કેસ લલિથામણિ સાથે સંબંધિત છે. તેના પિતા વેંકટેશનનો સંયુક્ત પરિવારની મિલકતમાં હિસ્સો હતો. વેંકટેશનના મૃત્યુ પછી, તેની પત્નીએ ફરીથી લગ્ન કર્યા હતા. ત્યારબાદ મિલકત અંગે ભાગ બટાઈની કાર્યવાહી શરૂ થઈ હતી. પુત્રીના અધિકાર સામે વાંધો ઊઠવાયો હતો. આ પછી, વેંકટેશનના પરિવાર વતી એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેની પત્નીના બીજા લગ્નને કારણે, વેંકટેશનનો સંયુક્ત પરિવારની મિલકતમાં અવિભાજિત હિસ્સો હવે તેની પુત્રીને આપવો જોઈએ નહીં. જો કે કોર્ટે આ અંગેની બધી જ દલીલો ફગાવી દીધી હતી. કોર્ટે ઠરાવ્યું હતું કે પુત્રીને તેનો ભાગ આપવો જ પડશે. કોઈ પણ સંજોગોમાં પુત્રીનો આવો અધિકાર રદ કરી શકાય જ નહિ. હિન્દુ વારસા ધારામાં આ સ્પષ્ટ ઉલ્લેખ છે.
