‘આયુષ્માન ભારત યોજના’ અંગે બજેટમાં થઇ શકે છે મોટી જાહેરાત : આટલા લાખ સુધીની ફ્રી સારવાર આપવા વિચારણા
આયુષ્માન ભારત યોજનાના કારણે દેશના અનેક લોકોને ફાયદો થયો છે ત્યારે હવે મોદી સરકાર ‘આયુષ્માન ભારત’ યોજનામાં ફેરફાર કરી શકે છે. હવે 5 નહીં 10 લાખ સુધી ફ્રી સારવાર આપવાનો વિચાર સરકાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની NDA સરકાર આ મહીને પૂર્ણ બજેટ રજૂ કરશે ત્યારે આ બજેટમાં સરકાર યુવાનો, ખેડૂતો અને ઓછી આવક ધરાવતા લોકો માટે મોટી જાહેરાત કરી શકે છે. સામે આવેલી માહિતી અનુસાર, સરકાર સમગ્ર કેન્દ્રીય બજેટમાં આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનાનું વીમા કવર બમણું કરી શકે છે. આ ઉપરાંત 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને પણ આ યોજનાના દાયરામાં લાવવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું કે જો વીમા કવચને બમણું કરવાની મંજૂરી આપવામાં આવે તો નેશનલ હેલ્થ ઓથોરિટીના અંદાજ મુજબ સરકારની આવક પર દર વર્ષે 12,076 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, “એબી-પીએમજેએવાય હેઠળ લાભાર્થી વીમા કવચને આગામી ત્રણ વર્ષમાં રૂ. 5 લાખથી રૂ. 10 લાખ સુધી બમણું કરવા માટે ચર્ચાઓ ચાલી રહી છે, જે અમલમાં આવશે તો દેશની બે તૃતીયાંશ કરતાં વધુ વસ્તીને આરોગ્ય કવચ પ્રદાન કરશે. કેન્દ્ર સરકાર આગામી બજેટમાં આ દરખાસ્તોની જાહેરાત કરી શકે છે.
12 કરોડ પરિવારોને લાભ મળશે
આપણે જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા વચગાળાના બજેટ 2024માં સરકારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) માટે ફાળવણી વધારીને 7,200 કરોડ રૂપિયા કરી હતી, જે અંતર્ગત 12 લોકોને 5 લાખ રૂપિયાનું આરોગ્ય કવચ આપવામાં આવશે. દર વર્ષે કરોડો પરિવારો આ યોજનાનો લાભ લ્યે છે. આ સિવાય સરકારે આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) માટે 646 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
70 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ આવરી લેવામાં આવશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહ્યું હતું કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને મફત સારવાર આપવામાં આવે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં આયુષ્માન ભારત યોજનાની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. હવે મોંઘવારી અને ટ્રાન્સપ્લાન્ટ સહિતની અન્ય મોંઘી સારવાર મામલે પરિવારોને રાહત આપવાના ઉદ્દેશ્યથી આ યોજના હેઠળ ઉપલબ્ધ કવરેજ લિમિટને બમણી કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગત 27 જૂનના રોજ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહ્યું હતું કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને પણ આયુષ્માન યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને મફત સારવારની સુવિધા મળશે.