પાકિસ્તાનમાં મદ્રેસા બનાવવા માટે 100 વર્ષ જૂનું મંદિર તોડી પડાયું
માળખું જાતે જ તૂટી પડ્યું હોવાનો સરકારી ખુલાસો
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નરોઅવાલ જિલ્લાના સિરાજ ગામમાં આવેલું અંદાજે 100થી 125 વર્ષ જૂનું હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન તેહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP) સાથે સંકળાયેલા તત્વોએ મંદિરની જમીનને બાજુમાં આવેલી મદ્રેસાના વિસ્તરણ માટે કબજે કરવા 21 ઓગસ્ટે મંદિર ધ્વસ્ત કરી દીધું હતું. જોકે, પાકિસ્તાન સરકાર અને ઇવેક્યૂઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB)ના અધિકારીઓએ મંદિર ભારે વરસાદના કારણે જાતે જ ધરાશાયી થયું હોવાનું જણાવ્યું છે.
લાહોરથી આશરે 130 કિલોમીટર દૂર આવેલા આ મંદિરની જમીન લગભગ 1,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી હતી. મંદિર તોડી પાડ્યા બાદ તેની શિખર પરના ધાતુના ભાગો અને ઇંટો સહિતની સામગ્રી પણ સ્થળ પરથી હટાવી દેવામાં આવી હતી. આ ઘટના બાદ અલ્પસંખ્યક હિતો માટે કાર્યરત સંગઠનો અને રાજકીય પક્ષોએ ઘટનાની નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કાર્યવાહી તેમજ મંદિરના મૂળ સ્વરૂપમાં પુનઃનિર્માણની માંગ ઉઠાવી છે.
આ પણ વાંચો: કર્નલ શોફિયા સામેની ટિપ્પણી કેસમાં મધ્યપ્રદેશના મંત્રી સામે કોઈ કાર્યવાહી નહી થાય
હિન્દુ સમુદાયનો વિરોધ
પાકિસ્તાનના હિન્દુ આગેવાનો અને અલ્પસંખ્યક સંગઠનોએ મંદિર ધ્વંસની ઘટનાની કડક નિંદા કરી છે. હિન્દુ નેતા રતન લાલે જિલ્લા વહીવટીતંત્ર અને ETPB પર મંદિરનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂક્યો છે. તેમણે મંદિરનું મૂળ સ્વરૂપમાં પુનઃનિર્માણ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. રતન લાલના જણાવ્યા મુજબ, મંદિર પરિસરમાં મદ્રેસાનું પ્રભુત્વ હોવાથી સ્થાનિક હિન્દુઓ ત્યાં જતાં પણ ડરે છે.
