કર્નલ શોફિયા સામેની ટિપ્પણી કેસમાં મધ્યપ્રદેશના મંત્રી સામે કોઈ કાર્યવાહી નહી થાય
કાર્યવાહીને મંજૂરી ન આપવાના કેબિનેટના ઠરાવ ઉપર ગવર્નરે પણ મારી દીધી મંજૂરીની મ્હોર
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની નારી શક્તિનું પ્રતીક બની ગયેલી કર્નલ શોફિયા કુરેશી અંગે અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા મધ્ય પ્રદેશના મંત્રી કુંવર વિજય શાહ સામે કોઈ પણ જાતની કાર્યવાહીની મંજૂરી ન આપવાના મધ્ય પ્રદેશ કેબિનેટના નિર્ણય પર ગવર્નર મંગુભાઇ પટેલે પણ મંજૂરીની મ્હોર મારી દેતાં હવે તેમની સામે કોઈ જાતની કાર્યવાહી નહીં થાય.નોંધનીય છે કે આ મંત્રીની ટિપ્પણી સામે સમગ્ર દેશમાં ભારે રોષ છવાયો હતો.ખુદ મધ્ય પ્રદેશ હાઇકોર્ટે સૂઓ મોટો લઈને મંત્રી સામે ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો.પણ હવે એ મંત્રીને કેબિનેટ અને ગવર્નરનું રખોપું મળતા તેમની સામેની કાર્યવાહીના બધા રસ્તા બંધ થઈ ગયા છે.
આ વિવાદાસ્પદ કેસમાં સુપ્રીમ કોર્ટે નીમેલી SIT એ તપાસ પૂર્ણ કરી ભારતીય ન્યાય સંહિતાની કલમ 196 હેઠળ કાર્યવાહી માટે મંજૂરી માગી હતી. આ અહેવાલ અને મંજૂરીની માંગ ઓગસ્ટ 2025થી રાજ્ય સરકાર સમક્ષ પડતર હતી.રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા વિલંબ બાબતે સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2026 અને ત્યારબાદ મે 2026માં પણ રાજ્ય સરકારને મંજૂરી અંગે નિર્ણય લેવા ટકોર કરી હતી.અંતે મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં 25 ઓગસ્ટે મળેલી કેબિનેટ બેઠકમાં વિજય શાહ સામે કાર્યવાહી માટે મંજૂરી ન આપવાનો નિર્ણય લેવાયો હતો.
રાજ્ય સરકારે એ જ દિવસે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પોતાની તપાસ પૂર્ણ કરી ચૂકી છે અને કાર્યવાહી માટે મંજૂરી આપવાનો કે નહીં તેનો નિર્ણય રાજ્યપાલ સમક્ષ વિચારાધીન છે. ત્યારબાદ મોડી રાત્રે મુખ્ય સચિવ અશોક બર્નવાલ રાજ્યપાલ સમક્ષ સંબંધિત ફાઇલ લઈને પહોંચ્યા હતા અને રાજ્યપાલે કેબિનેટની ભલામણને મંજૂરી આપી હતી.
આ પણ વાંચો: આતંકવાદ મુદ્દે બેવડા માપદંડ અસ્વીકાર્ય, SCO સમિટમાં વડાપ્રધાન મોદીનો ધ્રુજારો
એ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે મંજૂરી અંગેનો નિર્ણય આવ્યા પછી આગળની પ્રક્રિયા શું રહેશે તેવો સવાલ કર્યો હતો. તેના જવાબમાં કોર્ટમાં હાજર SIT અધિકારીએ જણાવ્યું હતું કે જો મંજૂરી મળશે તો ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને જો મંજૂરી નકારવામાં આવશે તો તપાસ એજન્સી ક્લોઝર રિપોર્ટ દાખલ કરશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે મામલાની વધુ સુનાવણી મુલતવી રાખી હતી.જો કે હવે રાજ્યપાલે પણ કેબિનેટના ઠરાવને મંજૂર કરી દેતા વિજય શાહ સામેની કાનૂની કાર્યવાહી પર પુર્ણવિરામ મુકાઇ ગયું છે.
મંત્રીએ હાઇકોર્ટની સૂચનાથી થયેલી કાર્યવાહીને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી
વિજય શાહે પોતાના વિરુદ્ધ મધ્ય પ્રદેશ હાઇકોર્ટે શરૂ કરેલી સૂઓ મોટો કાર્યવાહી અને FIR નોંધવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમની તરફથી હાજર વરિષ્ઠ વકીલ મનીન્દર સિંહે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે વિજય શાહ પોતાની ટિપ્પણી બદલ માફી માગી ચૂક્યા છે અને તેમની રજૂઆત તથા માફીને કાર્યવાહી અંગે નિર્ણય લેતી સત્તાવાળાઓ ધ્યાનમાં લે. જોકે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નહોતો.19 મે, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે વિજય શાહને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું, પરંતુ સાથે ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓની SIT રચવાનો આદેશ આપ્યો હતો.એ ટીમે તપાસ પૂર્ણ કરીને ભારતીય ન્યાય સંહિતાની કલમ 196 હેઠળ કાર્યવાહી માટે મંજૂરી માગી હતી.પણ કેબિનેટે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો અને હવે એ નિર્ણયને રાજ્યપાલની મંજૂરી મળતાં વિજય શાહને મોટી કાનૂની રાહત મળી છે.
આ રીતે લંબાતો જ રહ્યો કાનૂની જંગ…
14 મે, 2025 : મધ્ય પ્રદેશ હાઇકોર્ટે વિજય શાહની ટિપ્પણીનો સૂઓ મોટો સંજ્ઞાન લઈને FIR નોંધવાનો આદેશ આપ્યો.
14 મે, 2025 : ઇન્દોર જિલ્લાના માનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.
15 મે, 2025 : હાઇકોર્ટે FIRની ભાષા અને ડ્રાફ્ટિંગ અંગે અસંતોષ વ્યક્ત કરીને તપાસ પર દેખરેખ રાખવાનો નિર્ણય કર્યો.
19 મે, 2025 : સુપ્રીમ કોર્ટે વિજય શાહને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું અને ત્રણ સભ્યોની SIT રચવાનો આદેશ કર્યો.
ઓગસ્ટ, 2025 : SITએ તપાસ પૂર્ણ કરીને કાર્યવાહી માટે મંજૂરી માંગતો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો.
19 જાન્યુઆરી, 2026 : સુપ્રીમ કોર્ટે મંજૂરી અંગે નિર્ણય લેવામાં થયેલા વિલંબ અંગે રાજ્ય સરકારને સવાલ કર્યા.
8 મે, 2026 : સુપ્રીમ કોર્ટે ફરી રાજ્ય સરકારને કાર્યવાહી અંગે નિર્ણય લેવા કહ્યું.
25 ઓગસ્ટ, 2026 : મધ્ય પ્રદેશ કેબિનેટે વિજય શાહ સામે કાર્યવાહી માટે મંજૂરી ન આપવાનો નિર્ણય લીધો.
31 ઓગસ્ટ, 2026 : રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે મામલો રાજ્યપાલ સમક્ષ વિચારાધીન છે.
31 ઓગસ્ટ, 2026 (મોડી રાત્રે) : રાજ્યપાલ મંગુભાઈ પટેલે કેબિનેટના નિર્ણયને મંજૂરી આપી .
