રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે તપાસના આદેશ આપ્યા; બે સપ્તાહમાં રિપોર્ટ માંગ્યો
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના પત્ની ડૉ. ગુરપ્રીત કૌર સામે બળાત્કારનો કેસ દબાવવા માટે રૂ. 5 કરોડની માંગણી કરાઈ હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પંજાબ-હરિયાણા હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રણજીત સિંહના આક્ષેપોના આધારે કરવામાં આવેલી ફરિયાદને ધ્યાનમાં લઈ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)એ પંજાબના મુખ્ય સચિવ અને ડીજીપીને તપાસના આદેશ આપ્યા છે. જોકે, અત્યાર સુધી આક્ષેપો સાબિત થયા નથી અને પંચે માત્ર તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે એક બળાત્કાર કેસમાં દખલ કરીને તેને દબાવવાનો પ્રયાસ થયો હતો અને તેના બદલામાં રૂ. 5 કરોડની માંગ કરવામાં આવી હતી. આ મામલે લીગલ રાઇટ્સ ઓબ્ઝર્વેટરી (LRO) દ્વારા NHRC સમક્ષ અરજી કરવામાં આવી હતી. પંચના સભ્ય પ્રિયંક કાનૂંગોની આગેવાની હેઠળની બેન્ચે સમગ્ર મામલાની તપાસ કરીને બે સપ્તાહમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા પંજાબ સરકારને સૂચના આપી છે.
NHRCએ આ મામલો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મહિલા સુરક્ષા વિભાગને પણ મોકલ્યો છે. પંચનું માનવું છે કે મહિલાઓની સુરક્ષા અને ન્યાય સાથે જોડાયેલા આવા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. તપાસ અહેવાલ મળ્યા બાદ પંચ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે.
આ પણ વાંચો: પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધતા ગોળ-ખાંડનું ઉત્પાદન ઘટ્યું: જંગી ભાવ વધારો
આરોપ લગાવનાર પૂર્વ ન્યાયાધીશને વળતી નોટીસ
બીજી તરફ, ડૉ. ગુરપ્રીત કૌરે આ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે અને જસ્ટિસ રણજીત સિંહને કાનૂની નોટિસ પાઠવી છે. તેમનું કહેવું છે કે તેમના વિરુદ્ધના આક્ષેપો ખોટા અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે બળાત્કારનો મૂળ કેસ કયો હતો, તેમાં કોણ સંડોવાયેલું હતું અને કથિત રીતે રૂ. 5 કરોડની માંગણી કયા સંજોગોમાં થઈ હતી તેની સત્તાવાર વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. NHRCની તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત વધુ સ્પષ્ટ થઈ શકશે.
