રાજસ્થાનમાં શાળાની મુલાકાતે ગયેલા CJP કાર્યકરો પર હુમલો, પીછો કરીને માર માર્યો
ગાડીઓમાં તોડફોડ, ફોન તોડી નાખ્યા, એક કાર્યકરને ફ્રેક્ચર, મહિલાને પણ માર પડ્યો હોવાનો દાવો
રાજસ્થાનના જયપુર જિલ્લાના બાગરૂ વિધાનસભા વિસ્તારના રામપુરા કાનવરપુરા ગામમાં શાળાની તપાસ માટે ગયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કાર્યકરો પર ટોળાએ હુમલો કર્યો હતો. પાર્ટીના સહ-સ્થાપક આશુતોષ રાંકાના નેતૃત્વમાં ગયેલી ટીમને ગામમાં પ્રવેશતા જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ટોળાએ કાર્યકરોનો પીછો કરીને માર માર્યો, બેફામ ગાળો આપી અને તેમને ગામ છોડવા મજબૂર કર્યા હોવાનું જણાવાયું છે. ઘટનાને પગલે શાસકો અને કોકરોચ જનતા પાર્ટીના નેજા હેઠળ યુવાઓ વચ્ચે નવો જંગ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે
આ ઘટનાના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો CJPના કાર્યકરોને ઘેરીને વિરોધ કરતાં અને તેમને ગામમાંથી હાંકી કાઢતાં જોવા મળે છે. ઘટનાને પગલે રાજસ્થાન વિધાનસભામાં પણ હોબાળો મચ્યો હતો. કોંગ્રેસે હુમલા માટે ભાજપને જવાબદાર ગણાવ્યો હતો, જ્યારે ભાજપે આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
આ પણ વાંચો: તેલંગાણાના મુખ્યમંત્રી રેવંથ રેડીની યુએસ મુલાકાત સરકારે અટકાવી
ગૌશાળામાં સ્કૂલ – ભાજપના ગુંડા પહેલેથી જ હાજર હોવાનો રાંકાનો આક્ષેપ
CJPના સહ-સ્થાપક આશુતોષ રાંકાએ દાવો કર્યો કે ગામલોકોએ જ તેમને શાળાની સ્થિતિ જોવા માટે આમંત્રિત કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, વર્ષોથી સરકારી પ્રાથમિક શાળા ગૌશાળામાં ચલાવવામાં આવે છે અને તેઓ અગાઉ પણ અહીં મુલાકાત લઈ ચૂક્યા છે. રાંકાએ આરોપ લગાવ્યો કે પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં ભાજપ સાથે સંકળાયેલા તત્વો પહેલેથી જ ત્યાં હાજર હતા અને તેમણે હુમલો કર્યો. ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી, ફોન તોડી નાખવામાં આવ્યા, એક મહિલા કાર્યકર સાથે દુર્વ્યવહાર થયો અને એક કાર્યકરને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું તેમણે જણાવ્યું. રાંકાએ વધુમાં કહ્યું કે હુમલાખોરો ગામના નહોતા પરંતુ બહારથી બોલાવવામાં આવ્યા હતા.
કાર્યકરોને અર્બન નક્સલ, રાષ્ટ્રવિરોધી અને પાકિસ્તાનના એજન્ટ ગણાવ્યા
ઘટના દરમિયાન ટોળાએ CJPના કાર્યકરો સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમને “અર્બન નક્સલ”, “રાષ્ટ્રવિરોધી” અને “પાકિસ્તાની” જેવા શબ્દોથી સંબોધવામાં આવ્યા હોવાનું વિડિયોમાં જોવા મળે છે. CJPની કાર્યકર શિવાંગી શર્માએ જણાવ્યું કે તેઓ આ વિસ્તારની જ રહેવાસી હોવા છતાં તેમને પાકિસ્તાની અને બહારથી આવેલા વ્યક્તિ તરીકે અપમાનિત કરવામાં આવ્યા. મહિલાઓને પણ અપશબ્દો બોલવામાં આવ્યા અને ધક્કામુક્કી કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું. આ ઘટનાથી તેઓ ખૂબ દુઃખી હોવાનું શર્માએ જણાવ્યું હતું.
સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હોવાનો ભાજપનો દાવો
જયપુરના ભાજપ ધારાસભ્ય સ્વામી બાલમુકુંદાચાર્યના જણાવ્યા મુજબ ગામલોકો CJPના વિચારો સાથે સહમત નથી અને તેમણે જ પાર્ટીના કાર્યકરોને ગામમાં પ્રવેશવા દીધા નહોતા. ગામલોકો બાળકોના શિક્ષણમાં વિક્ષેપ પડે તેવી કોઈ પ્રવૃત્તિ ઇચ્છતા નથી અને તેથી વિરોધ કર્યો હતો. કેટલાક સ્થાનિકોએ પણ મીડિયા સમક્ષ CJPને રાષ્ટ્રવિરોધી ગણાવીને ગામમાં તેમની જરૂર ન હોવાનું કહ્યું હતું. જોકે કેટલાક લોકોએ વિસ્તારના વિકાસના અભાવ, રસ્તા અને શાળાઓ જેવી મૂળભૂત સુવિધાઓની અછત અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.
