રાહુલ ગાંધી સામેના સંપત્તિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ, ઈડી અને સીબીઆઈની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોક
20 ઓગસ્ટની સુનાવણી મુલતવી રાખવાનો આદેશ; તપાસ એજન્સીઓને કોઈપણ સત્તા સમક્ષ અહેવાલ ન રજૂ કરવા સૂચના
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા કથિત અપ્રમાણસર સંપત્તિ કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે મહત્વપૂર્ણ રાહત આપતાં અલ્હાબાદ હાઈકોર્ટને આ મામલે આગળની કાર્યવાહી ન કરવા જણાવ્યું હતું. સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને પણ તપાસ સંબંધિત કોઈ અહેવાલ કોઈપણ સત્તા સમક્ષ, જેમાં અલ્હાબાદ હાઈકોર્ટનો પણ સમાવેશ થાય છે, રજૂ ન કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટમાં 20 ઓગસ્ટે નિર્ધારિત સુનાવણી પણ આગામી સુનાવણી સુધી મુલતવી રાખવા જણાવ્યું છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની ખંડપીઠ રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઈકોર્ટના તે આદેશને પડકાર્યો છે જેમાં સીબીઆઈ અને ઈડીને તેમની સામેના અપ્રમાણસર સંપત્તિના આરોપોની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી હતી.
રાહુલ ગાંધી તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે અરજદાર વિગ્નેશ શિશિરને આ પ્રકારની અરજી કરવાની કાનૂની સત્તા જ નથી. તેમણે સમગ્ર પ્રક્રિયાને “વિચ-હન્ટ” ગણાવતા કહ્યું કે કાયદામાં આવી કાર્યવાહીનો કોઈ આધાર નથી અને વારંવાર એક જ અરજદાર દ્વારા આવા પ્રયાસો થઈ રહ્યા છે.
આ પણ વાંચો: ઇથેનોલ માટે ખેતી વધશે તો અન્ય પાકો માટે જમીન અને પાણીની અછત સર્જાવાનો ખતરો
બીજી તરફ, કેન્દ્રીય તપાસ એજન્સીઓ તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજૂએ જણાવ્યું કે હાલમાં સીબીઆઈ અથવા ઈડીની સીધી ભૂમિકા નથી. જોકે ફરિયાદમાં જો સંજ્ઞેય ગુનાની બાબતો સામે આવે તો મામલો ગંભીર બની શકે છે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન જરૂરી હોવાનું જણાવતા કહ્યું કે જો કોર્ટ કોઈ દિશાનિર્દેશ આપવા માંગતી હોય તો સંબંધિત પક્ષને સાંભળવાની પ્રક્રિયા અનુસરવી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે ગયા મહિને સીબીઆઈના જવાબથી અસંતોષ વ્યક્ત કરી, વરિષ્ઠ અધિકારીને વ્યક્તિગત રીતે તાજું સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું. સાથે જ તપાસ દરમિયાન ઈડીને કોઈ ગેરરીતિના પુરાવા મળે તો તે કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવા સ્વતંત્ર રહેશે તેવી ટિપ્પણી પણ કરી હતી.
એડિશનલ સોલિસિટર જનરલને સુપ્રીમ કોર્ટના તીખા સવાલો
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજૂને કડક સવાલો પૂછ્યા હતા. ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચીએ પૂછ્યું કે જો આરોપો એટલા ગંભીર હતા તો સીબીઆઈ અને ઈડીએ અત્યાર સુધી કોઈ સ્વપ્રેરિત (સુઓ મોટો) કાર્યવાહી કેમ કરી નહોતી? અદાલતે સવાલ કર્યો કે શું તપાસ એજન્સીઓને કામ શરૂ કરવા માટે હાઈકોર્ટના આદેશની જ જરૂર પડે છે? મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પણ નોંધ્યું કે સામાન્ય ગુનામાં પોલીસને કાર્યવાહી માટે અલગ મંજૂરી લેવાની જરૂર પડતી નથી, પરંતુ અહીં કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન થયું છે કે નહીં તે મહત્વનો મુદ્દો છે. અદાલતના આ સવાલો તપાસ એજન્સીઓની અત્યાર સુધીની નિષ્ક્રિયતા અંગે ગંભીર ટિપ્પણી તરીકે જોવામાં આવી રહ્યા છે.
