ઇથેનોલ માટે ખેતી વધશે તો અન્ય પાકો માટે જમીન અને પાણીની અછત સર્જાવાનો ખતરો
કરોડો જૂના વાહનો માટે E 10 ઉપલબ્ધ કરાવવા અનુરોધ
દેશમાં ઇથેનોલ મિશ્રણવાળા પેટ્રોલ (E20) અંગે ચાલી રહેલી ચિંતા માત્ર વાહનોના માઇલેજ કે એન્જિનની ક્ષમતા પૂરતી મર્યાદિત નથી. સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંતા નાગેશ્વરને ઇથેનોલ નીતિના કૃષિ અને ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલા પાસાઓ તરફ પણ ધ્યાન દોરતાં જણાવ્યું છે કે ઊર્જા આત્મનિર્ભરતા તરફ આગળ વધતી વખતે ખેતી, જમીન અને જળસંપત્તિ પર તેની અસરને અવગણી શકાય નહીં.
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત લેખમાં નાગેશ્વરન અને સહલેખક આકાશ પૂજારીએ જૂના વાહનો માટે E10 પેટ્રોલનો વિકલ્પ ઉપલબ્ધ રાખવાની ભલામણ કરી છે. તેમનું કહેવું છે કે દેશમાં કરોડો એવા વાહનો હજુ પણ ઉપયોગમાં છે, જે E10 માટે ડિઝાઇન કરાયા હતા અને E20 સાથે તેમની સુસંગતતા અંગે પ્રશ્નો ઊભા થઈ શકે છે.
પરંતુ લેખનો વધુ મહત્વનો મુદ્દો ઇથેનોલ ઉત્પાદન માટે જરૂરી કૃષિ સંસાધનો સાથે સંકળાયેલો છે. ઇથેનોલ મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ પાકોમાંથી બનાવવામાં આવે છે. જો ઇથેનોલની માંગ સતત વધતી જશે તો ખેતીની જમીનનો મોટો હિસ્સો ઇંધણ માટેના પાકો તરફ વળવાની શક્યતા રહેશે. પરિણામે ખાદ્ય પાકોના ઉત્પાદન અને પુરવઠા પર અસર પડી શકે છે.
આ પણ વાંચો: એર ઇન્ડીયાના વધુ બે પાઇલટ ડ્રગ ટેસ્ટમાં ફેલ,બન્નેને ડી રોસ્ટર કરાયા
નાગેશ્વરને ખાસ કરીને ‘ફૂડ વર્સસ ફ્યુઅલ’ના પ્રશ્ન તરફ ધ્યાન દોર્યું છે. એટલે કે, કૃષિ ઉત્પાદનનો ઉપયોગ માનવ ખોરાક માટે કરવો કે વાહનોના ઇંધણ માટે, તે અંગેનું સંતુલન જાળવવું જરૂરી બનશે. તેમણે ચેતવણી આપી છે કે ઇથેનોલ માટેના પાકોની વધતી માંગ જમીન અને પાણી જેવા મર્યાદિત કુદરતી સંસાધનો પર વધારાનું દબાણ ઊભું કરી શકે છે.
નવી નીતિના ફાયદા ખરા, સાથે જ ખતરો પણ ખરો
ભારત સરકારે ઇથેનોલ મિશ્રણનો કાર્યક્રમ મુખ્યત્વે ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો કરવા અને ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવા માટે શરૂ કર્યો છે. સાથે સાથે શેરડી અને મકાઈ ઉત્પાદક ખેડૂતો માટે વધારાનું બજાર પણ ઊભું થયું છે. જોકે, નાગેશ્વરનનું માનવું છે કે આ નીતિનો અમલ કરતી વખતે જૂના વાહનોની વાસ્તવિક સ્થિતિ તેમજ કૃષિ અને જળસંપત્તિ પર પડનારી લાંબા ગાળાની અસરોને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
E 20 નીતિને પણ વ્યાપક સમર્થન
બીજી તરફ, ઓલ ઇન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિયેશન (AIDA) સહિતના ઇથેનોલ ઉદ્યોગના પ્રતિનિધિઓએ E20 નીતિનો બચાવ કર્યો છે. તેમનું કહેવું છે કે E20 અંગે વ્યાપક પરીક્ષણો થઈ ચૂક્યા છે અને તે ભારતની ઊર્જા સુરક્ષા, ખેડૂતોની આવક અને બાયોફ્યુઅલ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે. તેમ છતાં, નાગેશ્વરનના લેખે ઇથેનોલ અંગેની ચર્ચાને માત્ર વાહનક્ષેત્ર પૂરતી મર્યાદિત રાખવાને બદલે કૃષિ, પાણી અને ખાદ્ય સુરક્ષાના વિશાળ પ્રશ્નો સાથે પણ જોડી દીધી છે.
ઇથેનોલ અંગે CEAની મુખ્ય ચિંતાઓ
દેશમાં અંદાજે 7.5થી 8 કરોડ જૂના ટુ-વ્હીલર્સ E10 માટે ડિઝાઇન કરાયેલા છે.
જૂના વાહનોમાં E20ના કારણે ફ્યુઅલ સિસ્ટમ અને રબરના ભાગોને નુકસાન થવાની શક્યતા.
જૂના વાહનો માટે E10 અને E20 બંને વિકલ્પ ઉપલબ્ધ રાખવાની ભલામણ.
ઇથેનોલ માટે શેરડી અને મકાઈ જેવા પાકોની માંગ વધવાથી કૃષિ જમીનના ઉપયોગમાં ફેરફાર આવી શકે.
પાણીની ઊંચી જરૂરિયાત ધરાવતા પાકોના વિસ્તારથી જળસંપત્તિ પર દબાણ વધી શકે.
‘ફૂડ વર્સસ ફ્યુઅલ’નો પ્રશ્ન ભવિષ્યમાં વધુ મહત્વનો બની શકે.
ઊર્જા સુરક્ષા સાથે ખાદ્ય સુરક્ષા અને કૃષિ સંતુલન જાળવવાની જરૂર.
ઇથેનોલ ઉદ્યોગનો દાવો: E20થી તેલ આયાતમાં ઘટાડો અને ખેડૂતોને વધારાની આવક મળશે.
