એર ઇન્ડીયાના વધુ બે પાઇલટ ડ્રગ ટેસ્ટમાં ફેલ,બન્નેને ડી રોસ્ટર કરાયા
અંતિમ રિપોર્ટની રાહ, અત્યાર સુધી 300થી વધુ પાઇલટની તપાસ
ફુકેટ-દિલ્હી ફ્લાઇટમાં થયેલા ગંભીર ઘટનાક્રમ બાદ એર ઇન્ડિયાએ તમામ પાઇલટ માટે ફરજિયાત બનાવેલા ડ્રગ ટેસ્ટ દરમિયાન વધુ બે પાઇલટ પ્રાથમિક તપાસમાં નિષ્ફળ ગયા હોવાનું જાણવા મળ્યું છે. બંનેના અંતિમ પરીક્ષણના પરિણામોની રાહ જોવામાં આવી રહી છે. ત્યાં સુધી એરલાઇને બંને પાઇલટને ફ્લાઇટ ડ્યુટીમાંથી દૂર કરી ડી-રોસ્ટર કર્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી એર ઇન્ડિયાના 300થી વધુ પાઇલટ ડ્રગ ટેસ્ટ પ્રક્રિયામાંથી પસાર થયા છે. અંતિમ લેબોરેટરી રિપોર્ટ સામાન્ય રીતે 24થી 48 કલાકમાં પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: ભારતના એક એકાઉન્ટ પરની ફેક પોસ્ટથી યુએસ -ઇઝરાયલમાં મચી ગયો ખળભળાટ
નોંધનીય છે કે અચાનક જ 300 ફૂટ નીચે ધસી ગયેલી ફુકેટ-દિલ્હી ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડના શરીરમાં મેરિજુઆના (ગાંજો)ના અંશ મળી આવ્યા હતા અને તે બે યુરિન ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. ફ્લાઇટની એક કેબિન ક્રૂ સભ્યે પણ પાઇલટ દ્વારા અગાઉ ‘પોટ’ (ગાંજો) પીવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી હતી.એ ઘટનાની ગંભીરતા બાદ હવે પાઇલટ માટે ડ્રગ ટેસ્ટનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
એર ઇન્ડિયાએ પણ નાગરિક ઉડ્ડયન નિયમો મુજબ ક્રૂ સભ્યોના નિયમિત ડ્રગ ટેસ્ટ કરવામાં આવતા હોવાની અને મુસાફરોની સુરક્ષા માટે આ પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી હોવાની સ્પષ્ટતા કરી છે.
