ગાઝા પર ઇઝરાયલના ભયાનક હુમલામાં કેટલા લોકોના મોત થયા ? વાંચો
ઇઝરાયલે ગાઝા પટ્ટી પર કરેલા હુમલામાં એક ડઝન મહિલા અને બાળકો સહિત 32 લોકોનાં મોત થયા છે તેમ સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતનયાહુ યુદ્ધ અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અમેરિકા જઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઇઝરાયેલે હમાસ સાથે યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી જો કે તેણે ફરીથી હવાઇ અને જમીન યુદ્ધ શરૂ કરી દીધુ છે. બાકીના બંધકો મુક્ત કરવા માટે નવી સમજૂતીનો સ્વીકાર કરવા માટે હમાસ પર દબાણ વધારવા માટે ઇઝરાયેલ આ હુમલા કરી રહ્યું છે.
ઇઝરાયલે છેલ્લા એક મહિનાથી ખાદ્ય અને ઇંધણની આયાત અને માનવીય સહાય રોકી દીધી છે. પેલેસેટાઇન શરણાર્થીઓ માટે યુનાઇટેડ નેશન્સ એજન્સીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે ખાદ્ય સામગ્રીનો સ્ટોક ખલાસ થઇ રહ્યો છે અને સ્થિતિ ચિંતાજનક બની રહી છે.
મૃતદેહો જ્યાં લાવવામાં આવ્યા છે તે નાસેર હોસ્પિટલના જણાવ્યા અનુસાર ઇઝારેયલે તાજેતરમાં કરેલા હુમલામાં દક્ષિણમાં આવેલા શહેર ખાન યુનુસમાં એક તંબુ અને ઘરને નિશાન બનાવ્યું હતું. જેમાં પાંચ પુરુષો, પાંચ મહિલાઓ અને પાંચ બાળકોનાં મોત થયા હતા.