અંગ્રેજોએ ભારતની સંપત્તિ લૂંટી, પણ ભારતે બ્રિટનના આત્મા પર કબજો કરી લીધો!
આપણે હંમેશાં એ જ ઇતિહાસ વાંચ્યો છે કે બ્રિટિશરોએ ભારત પર ૨૦૦ વર્ષ રાજ કર્યું, આપણો કોહિનૂર હીરો લૂંટ્યો, આપણી અર્થવ્યવસ્થાને ખેદાન-મેદાન કરી અને આપણને માનસિક રીતે ગુલામ બનાવ્યા. પણ ઇતિહાસના સિક્કાની એક બીજી બાજુ પણ છે, જેનું ક્યારેય યોગ્ય આર્થિક અને સાંસ્કૃતિક પોસ્ટમોર્ટમ થયું જ નથી! ઇતિહાસની સૌથી મોટી વિડંબના એ છે કે—અંગ્રેજોએ ભલે બંદૂકના જોરે ભારતની જમીન પર કબજો કર્યો હોય, પરંતુ ભારતીય સંસ્કૃતિએ કોઈપણ હથિયાર વિના ધીમે-ધીમે બ્રિટિશરોના ડાઇનિંગ ટેબલ, તેમના બેડરૂમ, તેમના કપડાં અને તેમની ડિક્શનરી (ભાષા) ને કાયમ માટે પોતાનાં ગુલામ બનાવી દીધા! ‘કરી’થી લઈને ‘કોટન’ સુધી અને ‘બંગલો’થી લઈને ‘પાયજામા’ સુધી—બ્રિટિશ કલ્ચર આજે ભારતીય સંસ્કૃતિના ઋણ હેઠળ દબાયેલું છે. આ કોઈ સામાન્ય સાંસ્કૃતિક આદાન-પ્રદાન નથી; આ સામ્રાજ્યવાદ સામે ભારતનો અદ્રશ્ય, મનોવૈજ્ઞાનિક અને અત્યંત કાતિલ ‘વળતો પ્રહાર’ (Reverse Colonization) છે!
જ્યારે કોઈ શક્તિશાળી દેશ કોઈ નબળા દેશ પર આક્રમણ કરે છે, ત્યારે વિજેતા હંમેશાં પોતાની ભાષા, પોતાનો પહેરવેશ અને પોતાનો ખોરાક હારેલા દેશ પર થોપી બેસાડે છે. બ્રિટને દુનિયાના અડધા ભાગ પર આવું જ કર્યું હતું. પણ ભારતની બાબતમાં એક વિચિત્ર ઘટના બની. ઈસ્ટ ઈન્ડિયા કંપની જ્યારે ભારતમાં વેપાર કરવા આવી, ત્યારે તેઓ માત્ર રેશમ અને મસાલા લઈ જવા માંગતા હતા. પણ અજાણતા જ તેઓ પોતાની સાથે ભારતની આત્મા બ્રિટન લઈ ગયા, જેણે આવનારા દાયકાઓમાં બ્રિટિશરોની આખી લાઈફસ્ટાઈલને હાઈજેક કરી લીધી!
આ પણ વાંચો: ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ ‘દિમાગી નક્સલ પાર્ટી’, 24 કલાકમાં જ લાખો લોકો જોડાયા
ધ નેશનલ ડીશ: બ્રિટિશરોના ડાઇનિંગ ટેબલ પર ભારતનો કબજો
જો તમને કોઈ પૂછે કે બ્રિટન (UK) ની રાષ્ટ્રીય વાનગી કઈ છે? તો તમારો જવાબ હશે—’ફિશ એન્ડ ચિપ્સ’ અથવા ‘રોસ્ટ બીફ’. પણ વાસ્તવિકતા એ છે કે આજે બ્રિટનની સૌથી લોકપ્રિય અને અઘોષિત રાષ્ટ્રીય વાનગી ‘ચિકન ટિક્કા મસાલા’ છે!
અંગ્રેજોનો મૂળ ખોરાક અત્યંત ફિક્કો, બાફેલો અને મસાલા વિનાનો હતો. જ્યારે બ્રિટિશ અધિકારીઓ ભારતમાં આવ્યા, ત્યારે તેમની જીભને ભારતીય મસાલાઓનું એવું ભયાનક વ્યસન લાગ્યું કે તેઓ ઇંગ્લેન્ડ પાછા ગયા પછી પોતાનો બાફેલો ખોરાક ખાઈ જ ન શક્યા! આજે લંડનના ખૂણે-ખૂણે ‘કરી હાઉસીસ’ ધમધમે છે. બ્રિટિશરોને ચાની આટલી બધી લત લગાડનાર પણ અમૂક અંશે ભારત છે. જે લોકો આપણને અસંસ્કારી કહેતા હતા, તેમને સ્વાદ કોને કહેવાય તે ભારતે શીખવ્યું. આજે આખો બ્રિટિશ સમાજ વીક-એન્ડમાં પબમાંથી નીકળીને કરી ખાવા માટે તડપે છે. આ ભારતીય મસાલાઓનો બ્રિટિશ જીભ પર કાયમી કબજો છે!
ભાષાની લૂંટ: ઑક્સફર્ડ ડિક્શનરીમાં ‘દેશી’ ઘૂસણખોરી
આપણે અંગ્રેજી બોલવામાં ગર્વ અનુભવીએ છીએ, પણ સત્ય એ પણ છે કે અંગ્રેજી ભાષામાં ઘણા ભારતીય મૂળના શબ્દો આવ્યા છે. બ્રિટિશરોએ આપણી સંપત્તિ લૂંટી, પણ સાથે-સાથે તેમણે ‘લૂંટ’ (Loot) શબ્દ પણ ચોરી લીધો. ડિક્શનરીમાં ‘Loot’ શબ્દ મૂળ હિન્દી/સંસ્કૃત પરથી જ સીધો લેવામાં આવ્યો છે.
આવા સેંકડો શબ્દો છે જેણે અંગ્રેજી ભાષાનું માળખું બદલી નાખ્યું. ‘બંગલો’ (Bungalow) શબ્દ બંગાળના ‘બાંગ્લા’ (ઝૂંપડી) પરથી આવ્યો છે. ‘પાયજામા’ (Pyjamas), ‘શેમ્પૂ’ (Shampoo), ‘જગરનોટ’ (Juggernaut – જગન્નાથ), ‘ઠગ’ (Thug), ‘ખાકી’ (Khaki) અને ‘જંગલ’ (Jungle) જેવા અસંખ્ય શબ્દો અંગ્રેજી ભાષાની નસોમાં લોહીની જેમ દોડી રહ્યા છે. આપણે ભલે અંગ્રેજોના સૂટ-બૂટ અપનાવ્યા, પણ અંગ્રેજો જ્યારે રાત્રે સૂવા જાય છે ત્યારે આજે પણ તે ‘પાયજામા’ (Pyjamas) જ પહેરે છે! ભાષાકીય રીતે આ અંગ્રેજોનું સરેન્ડર (શરણાગતિ) કહી શકાય.
કાપડનું સામ્રાજ્ય: ઊનની ખંજવાળમાંથી બ્રિટનને બચાવનાર ‘લકોટન
ભારતમાં આવતા પહેલા બ્રિટિશરો માત્ર ઊન (Wool) અને શણના જાડા, ખરબચડા અને ખંજવાળ આવે તેવા કપડાં પહેરતા હતા. જ્યારે તેમણે ભારતના ગુજરાત અને બંગાળના સુતરાઉ (Cotton) કાપડ, મલમલ અને છીંટ (Chintz) ના રંગીન અને મુલાયમ વસ્ત્રો જોયા, ત્યારે આખો બ્રિટિશ સમાજ તેના પર ફિદા થઈ ગયો.
બ્રિટનના ઉમરાવોથી લઈને રાણી સુધીના તમામ લોકો ભારતીય ‘કૅલિકો’ (Calico) અને ‘છીંટ’ ના કાપડ પહેરવા માટે પડાપડી કરવા લાગ્યા. ભારતીય કાપડની માંગ એટલી બધી વધી ગઈ કે બ્રિટનના પોતાના ઊન અને કાપડના ઉદ્યોગો પડી ભાંગવા લાગ્યા! (આનું પરિણામ શું આવ્યું તે નીચે ઈન્ફો-બોક્સમાં વાંચો). અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવ્યું, પણ તેમના પોતાના શરીર પર ભારતના વણકરોએ બનાવેલું કાપડ જ રાજ કરતું હતું.
આપણે કહીએ છીએ કે બ્રિટિશ સામ્રાજ્યમાં ક્યારેય સૂર્ય આથમતો નહોતો. પણ જ્યારે ૧૯૪૭માં તેઓ ભારત છોડીને ગયા, ત્યારે વાસ્તવમાં તેઓ માત્ર ભૂગોળ છોડીને ગયા હતા, પણ સાથે ભારતની ઘણી યાદો, આદતો અને પરંપરાઓ લઈને ગયા હતા.
આજે ૨૦૨૬માં સ્થિતિ જુઓ: બ્રિટનના વડાપ્રધાનથી લઈને લંડનના મેયર સુધી અને બ્રિટનની જીડીપીથી લઈને તેમની નેશનલ હેલ્થ સર્વિસના ડોક્ટરો સુધી—બધે જ ભારતીયો (અથવા સાઉથ એશિયનો) નું વર્ચસ્વ છે. ઇતિહાસમાં ક્યારેય એવું નથી બન્યું કે કોઈ ગુલામ દેશે પોતાના માલિક દેશના ડીએનએને આટલી હદે હાઈજેક કરી લીધો હોય! ભૌતિક રીતે અંગ્રેજો જીત્યા હશે, પણ સાંસ્કૃતિક, મનોવૈજ્ઞાનિક અને દાર્શનિક રીતે સાચો વિજેતા ભારત જ છે. આપણો ભૌગોલિક રાષ્ટ્રવાદ ભલે ૧૯૪૭માં આઝાદ થયો, પણ આપણો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ તો અંગ્રેજોના ઘરમાં ઘૂસીને દાયકાઓથી રાજ કરી રહ્યો છે!
‘કલ્ચરલ ક્લેશ’ ના ઐતિહાસિક તથ્યો
ધ કેલિકો એક્ટ્સ (The Calico Acts – ૧૭૦૦ થી ૧૭૨૧):
ભારતનો બદલો કેવો હતો તેનું આ સૌથી મોટું આર્થિક ઉદાહરણ છે. ૧૮મી સદીમાં બ્રિટનમાં ભારતીય સુતરાઉ કાપડ (કેલિકો અને છીંટ) નો એટલો મોટો ક્રેઝ હતો કે બ્રિટનની મહિલાઓ માત્ર ભારતીય કપડાં જ પહેરતી હતી! આનાથી બ્રિટનના સ્થાનિક વણકરો બરબાદ થઈ ગયા. બ્રિટિશ સંસદે ગભરાઈને કાયદો (Calico Acts) પસાર કરવો પડ્યો, જેમાં બ્રિટનમાં ભારતીય કાપડ પહેરવા પર કે આયાત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો! જે દેશ આખી દુનિયામાં ફ્રી ટ્રેડ (મુક્ત વેપાર) ના ભાષણો આપતો હતો, તેણે ભારતીય વણકરોથી ડરીને પોતાના જ દેશમાં કટોકટી લાદવી પડી હતી!
શેમ્પૂની શોધ અને શેખ દીન મોહમ્મદ:
૧૮૧૪માં ‘શેખ દીન મોહમ્મદ’ નામના એક ભારતીય (બંગાળી) ઉદ્યોગસાહસિકે ઇંગ્લેન્ડના બ્રાઇટન શહેરમાં પહેલો કોમર્શિયલ શેમ્પૂઇંગ બાથ શરૂ કર્યો. મૂળ હિન્દી શબ્દ ‘ચંપી’ (માલિશ) પરથી તેમણે અંગ્રેજોને માથામાં સુગંધિત તેલ નાખીને ગરમ પાણીથી નહાવાની કળા શીખવી! એ સમયે અંગ્રેજો ભાગ્યે જ નહાતા હતા. ભારતીય ચંપીને બ્રિટિશ ઉચ્ચ વર્ગે એટલી પસંદ કરી કે તે Shampoo બની ગઈ અને રાજા જ્યોર્જ (ચોથા) એ શેખ દીન મોહમ્મદને પોતાના અંગત ‘લશેમ્પૂઇંગ સર્જન તરીકે નિમ્યા હતા!
કરી પાવડરના ડુપ્લિકેટનું ષડયંત્ર:
આપણે જેને ભારતમાં ગરમ મસાલો કહીએ છીએ, તે અંગ્રેજો માટે સમજવો અશક્ય હતો. કયા મસાલાનું કેટલું પ્રમાણ રાખવું તે બ્રિટિશ રસોઈયાઓને ક્યારેય સમજાયું નહીં. તેથી, ૧૮મી સદીના અંતમાં બ્રિટિશ કોમર્શિયલ કંપનીઓએ ધાણા, હળદર, જીરું અને મરચાંને મિક્સ કરીને રેડીમેડ પેકેટ બનાવ્યા અને તેને ‘કરી પાવડર’ નામ આપ્યું! વાસ્તવમાં ભારતમાં કરી પાવડર જેવું કંઈ હોતું જ નથી, તે બ્રિટિશ આળસ અને કોમર્શિયલ મગજની શોધ છે!
