હવે ઘણો સમય થયો, વિવાદનો નિવેડો લાવો: માલ્યા-બેંકોને હાઈકોર્ટની ટકોર
માલ્યાની જપ્ત સંપત્તિ મુદ્દે બેંકો અને ઈડી પાસેથી હાલની સ્થિતિનો અહેવાલ માંગ્યો
ફરાર ઉદ્યોગપતિ વિજય માલ્યા અને એસબીઆઈની આગેવાની હેઠળના બેંક કન્સોર્ટિયમ વચ્ચે વર્ષોથી ચાલી રહેલા સંપત્તિ વિવાદનો અંત લાવવાનો સમય આવી ગયો છે તેવી ટિપ્પણી બોમ્બે હાઈકોર્ટે કરી હતી. ન્યાયમૂર્તિ મિલિંદ જાધવની ખંડપીઠે સુનાવણી દરમિયાન નોંધ્યું કે લગભગ એક દાયકાથી લંબાતા આ વ્યાપારી વિવાદને અનિશ્ચિત રીતે ચાલુ રાખવો યોગ્ય નથી અને તેનો દેશની અર્થવ્યવસ્થા પર પણ પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રભાવ પડી શકે છે.
અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને માલ્યાની જપ્ત કરાયેલી સંપત્તિની હાલની સ્થિતિ અને તપાસની પ્રગતિ અંગે વિગતવાર માહિતી રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે પક્ષકારોને યાદ અપાવ્યું કે વ્યાપારી વિવાદોના ઉકેલ ઘણી વખત વિવાદની અંદર જ રહેલા હોય છે અને લાંબા સમય સુધી અથડામણની સ્થિતિ જાળવી રાખવાને બદલે વ્યવહારુ સમાધાન તરફ આગળ વધવું જોઈએ.
આ પણ વાંચો: સંસદના બન્ને ગૃહો અનિશ્ચિત કાળ સુધી સ્થગિત
વિજય માલ્યાએ 2020માં વિશેષ પીએમએલએ કોર્ટના તે આદેશને પડકાર્યો હતો, જેમાં એસબીઆઈની આગેવાની હેઠળના બેંક સમૂહને ઈડી દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. માલ્યાનો દાવો છે કે સંપત્તિઓ બેંકોને સોંપવાનો નિર્ણય ન્યાયસંગત નહોતો. બીજી તરફ, બેંકો વર્ષોથી કિંગફિશર એરલાઇન્સને અપાયેલી આશરે રૂપિયા 9,000 કરોડની લોનની વસૂલાત માટે પ્રયાસ કરી રહી છે.
વિજય માલ્યા ‘ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર’
માલ્યા 2016માં ભારત છોડીને બ્રિટનમાં ગયા હતા અને 2019માં તેમને ‘ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર’ જાહેર કરવામાં આવ્યા હતા. આ કાયદા હેઠળ આરોપી વ્યક્તિ સામેનો કેસ પૂર્ણ થાય તે પહેલાં પણ તેની સંપત્તિ જપ્ત અને વેચી શકાય છે. માલ્યાની હજારો કરોડ રૂપિયાની સંપત્તિઓ આ જોગવાઈ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. ભારત સરકાર હજુ પણ માલ્યાના પ્રત્યાર્પણ માટે બ્રિટન સમક્ષ પ્રયાસો ચાલુ રાખી રહી છે, ત્યારે હાઈકોર્ટની ટિપ્પણીને આ લાંબા સમયથી અટવાયેલા વિવાદને અંતિમ તબક્કે પહોંચાડવાના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
