પેસિફિકમાં 5 વાવાઝોડાનું મહાસંકટ! ચીન-જાપાન હચમચ્યા, શું ભારતનું ચોમાસું પણ અસર પામશે?
જ્યાં પૃથ્વીના એક ખૂણે દરિયાના મોજાં શાંત હોય છે, ત્યાં જ પ્રશાંત મહાસાગરના પેટાળમાં કુદરતે એકસાથે પોતાના રોદ્ર સ્વરૂપના દરવાજા ખોલી દીધા છે. હજારો કિલોમીટર દૂર મચી રહેલી આ આબોહવાકીય ઉથલપાથલ માત્ર દરિયાઈ સીમાઓ જ નહીં, પરંતુ દૂર બેઠેલા આપણા ભારતના ખેતરો અને આકાશ પર પણ પોતાની અદ્રશ્ય છાપ છોડવા જઈ રહી છે.
પશ્ચિમી પ્રશાંત (પેસિફિક) મહાસાગરમાં હાલમાં વાતાવરણ અત્યંત અસ્થિર બન્યું છે, જ્યાં એકસાથે અનેક ટ્રોપિકલ ચક્રવાતો સક્રિય થઈને ભારે વિનાશક સ્થિતિ સર્જી રહ્યા છે. આ સિઝનનું સૌથી શક્તિશાળી ગણાતું ‘ડોલ્ફિન’ (Dolphin) વાવાઝોડું ચીનના પૂર્વ કિનારે ત્રાટક્યું છે. 9મી ઓગસ્ટના રોજ સાંજે ઝેજિયાંગ પ્રાંતના યુહુઆન નજીક આ વાવાઝોડાએ આશરે 150-151 કિમી/કલાકની અત્યંત વિનાશક ઝડપે લેન્ડફોલ કર્યું હતું, જે કેટેગરી-1 હરિકેન સક્ષમ માનવામાં આવે છે. ચીનના વેન્ઝોઉ વિસ્તારમાં તેણે વ્યાપક તારાજી સર્જી છે.
બીજી બાજુ, ટ્રોપિકલ ચક્રવાત ‘ચાન-હોમ’ (Chan-hom) જાપાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત, મારિયાના ટાપુઓ અને તેની આસપાસના વિસ્તારોમાં વધુ ત્રણ ચક્રવાતી સિસ્ટમો સક્રિય થવાથી પેસિફિક મહાસાગર અત્યારે તોફાનોનું એપીસેન્ટર બની ગયો છે.
આ પણ વાંચો: શિવોહમ….શિવોહમ…: શિવ અને જીવના એકત્વનો આધ્યાત્મિક અનુભવ
ભારતીય ચોમાસા પર પરોક્ષ અસર: શું મેઘરાજા ખફા થશે કે વિરામ લેશે?
પશ્ચિમ ઉત્તર પેસિફિકમાં સક્રિય થયેલા આ ભયાનક વાવાઝોડાં ભલે સીધા ભારત તરફ નથી આવી રહ્યા, પરંતુ વૈશ્વિક વાતાવરણીય પરિભ્રમણ (Atmospheric Circulation) ના નિયમ મુજબ તે ભારતીય ચોમાસાને ડોર્મન્ટ અથવા નબળું કરી શકે છે.
ભેજ ખેંચાઈ જવો: આ શક્તિશાળી વાવાઝોડાં પૂર્વ તરફ મોટા પ્રમાણમાં ભેજ ખેંચી લે છે, જેના કારણે ભારતીય ઉપખંડ સુધી પહોંચતા મોસમી પવનોમાં ભેજનું પ્રમાણ ઘટી જાય છે.
લો-પ્રેશરમાં અવરોધ: બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ (Low Pressure / Depression) બનવાની પ્રક્રિયામાં આ તોફાન અડચણરૂપ બને છે.
ચોમાસામાં બ્રેક: મધ્ય, પૂર્વ અને ઉત્તર ભારતમાં સક્રિય રહેતી વરસાદી સિસ્ટમો અચાનક સુસ્ત પડી શકે છે, જેનાથી ચોમાસુ પચાસ કે અમુક દિવસો માટે વિરામ (Break Monsoon) લઈ શકે છે.
જોકે હવામાન નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે આ પ્રકારની વૈશ્વિક આબોહવાકીય અસ્થિરતા લાંબા ગાળે ચોમાસાને કાયમી નુકસાન નથી કરતી, પરંતુ ટૂંકા સમય માટે તેની ગતિવિધિઓને પ્રભાવિત જરૂર કરે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ આ જટિલ સ્થિતિ પર સતત બાજ નજર રાખી રહી છે.
