શિવોહમ….શિવોહમ…: શિવ અને જીવના એકત્વનો આધ્યાત્મિક અનુભવ
વોઈસ ઓફ ડે અખબારને ત્રણ વર્ષ પુરા થયા તેની અવિસ્મરણીય ઉજવણી
આમંત્રિત શિવભક્તો સતત ત્રણ કલાક સુધી શિવમય બનીને બેઠાં
નગર મેં જોગી આયા…નારાયણ સ્વામીની રચનાઓ, હરિ અને હરનું મિલન, શિવ તાંડવ અને શિવ રાસની પ્રસ્તુતિએ જમાવટ કરી
હજારો ગુજરાતી વાચકોના પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદથી વોઈસ ઓફ ડે અખબારે ત્રણ વર્ષ પૂરા કર્યા તે નિમિતે યોજાયેલી એક અનોખી આધ્યાત્મિક સંધ્યા અનેક રાજકોટવાસીઓ માટે અવિસ્મરણીય બની રહી હતી. વોઈસ ઓફ ડે આયોજિત અને શબદ આર્ટસ પ્રસ્તુત ‘ શિવ શબદ’ કાર્યક્રમના સાક્ષી બનવા માટે આવેલા શિવભકતો સાચા અર્થમાં શિવમય બની ગયા હતા અને આખુ ઓડીટોરીયમ ‘હર હર મહાદેવ’ના નારાથી સતત ગુંજતુ રહ્યુ હતુ.
શિવ અને જીવના એકત્વના દિવ્ય ભાવને સંગીત અને સાહિત્યના માધ્યમથી રજૂ કરતી આ અનોખી અધ્યાત્મિક સંધ્યામાં ઉપસ્થિત સૌ કોઈ જાણે ભક્તિના રંગે રંગાઈ ગયા હતા. આ એક એવી સાંજ હતી … જ્યાં સંગીત હતું, શબ્દો હતા, સાહિત્ય હતું અને દરેક હૃદયમાં મહાદેવ હતા.
આ પણ વાંચો: ઉકાઈ-કાકરાપાર યોજના: સિંચાઈથી વીજ ઉત્પાદન સુધી દક્ષિણ ગુજરાતની જીવાદોરી
પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં ગુંજતા શિવમય સૂર, મહાદેવના નામના જયઘોષ અને ભાવવિભોર કરી દેનારી રજૂઆતથી વાતાવરણ એવું બન્યું હતું કે જાણે સમગ્ર સભાખંડમાં સ્વયં મહાદેવની ઉપસ્થિતિ અનુભવાઈ રહી હોય.શિવ શબદના કલાકારોએ ભગવાન ભોળાનાથની કેટલીક અનટોલ્ડ સ્ટોરી પણ અદ્ભુત રીતે રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં આવનારા લોકં માટે “શિવ શબદ” માત્ર એક કાર્યક્રમ નહોતો પરંતુ શિવભક્તિનો અનુભવ હતો, અંતરાત્માને સ્પર્શતી એક આધ્યાત્મિક યાત્રા હતી, અને એ યાત્રામાં દરેક વ્યક્તિ સાચા અર્થમાં ‘શિવમય’ બની ગઈ હતી.ખાસ કરીને નગર મેં જોગી આયા…નારાયણ સ્વામીની રચનાઓ, હરિ અને હરનું મિલન, શિવ તાંડવ અને શિવ રાસની પ્રસ્તુતિ અદ્ભુત રહી હતી. આ સુંદર અને યાદગાર પ્રસ્તુતિ શબદ આર્ટસનાં પ્રિયંક ભટ્ટ અને શ્યામ ધામેચા તથા તેમના સાથી કલાકારોએ કરી હતી.
આ પૂર્વે ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેયર ડો. નેહલ શુક્લએ રાજકોટને આટલા સુંદર કાર્યક્રમની ભેટ આપવા બદલ વોઈસ ઓફ ડેના એમ.ડી. કૃણાલભાઈ મણિયાર અને ડીરેક્ટર મીરાબેન મણિયારને અભિનંદન આપ્યા હતા. વોઈસ ઓફ ડે વતી જગદીશભાઈ આચાર્યએ આ કાર્યક્રમનો હેતુ જણાવ્યો હતો અને આ અખબારને અત્યાર સુધી વાચકોનો જે સપોર્ટ મળ્યો છે તેવો સપોર્ટ આવનારા વરસોમાં પણ મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ, મેયર ડો. નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયા, પુજારા ટેલિકોમના ચેરમેન યોગેશભાઈ પુજારા અને શ્રીમતી રીટાબેન પુજારા, બાન લેબના એમ.ડી. મૌલેશભાઈ ઉકાણી, ભાજપના રમેશભાઈ રૂપાપરા, કોંગ્રેસ અગ્રણી પીયુષભાઈ મહેતા, જીનિયસ સ્કુલનાં ડી.વી.મહેતા, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, ફૂલછાબના તંત્રી જ્વલંતભાઈ છાંયા, વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, કેન્સર હોસ્પિટલના મેડીકલ ડીરેક્ટર ડો.ખ્યાતીબેન વસાવડા, પ્રગતિ હોસ્પિટલનાં ડો. અમિત હપાણી, ડો. બબિતાબેન હપાણી, સુશ્રુત હોસ્પિટલનાં ડો. એમ.વી.વેકરિયા, ડો. દર્શનાબેન પંડ્યા, સોલ્વિક્સ જવેલર્સનાં મમતાબેન રતનધારિયા, એડવોકેટ અર્જુનભાઈ પટેલ, અજયભાઈ જોશી, સિમ્પલ એડ.ના રાજુભાઈ જુંજા, જિલ્લા ભાજપનાં અરુણ નિર્મલ, ભાજપના અગ્રણી ભરતસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા (વાવડી), પોલીસ અધિકારીઓ મેહુલ ગોંડલિયા, આર.કે.જાડેજા, બિલ્ડર પ્રફુલભાઈ નડીયાપરા, મહિલા અગ્રણીઓ કાશ્મીરાબેન નથવાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનને વખાણ્યુ હતુ.
કેક કટિંગ

વોઈસ ઓફ ડેની ત્રણ વર્ષની સફળતાની યાત્રા નિમિત્તે સુંદર કાર્યક્રમ તો થયો હતો પરંતુ કેક કટિંગ સેરેમની પણ યોજાઈ હતી. આ કેકમાં વોઈસ ઓફ ડેની શરૂઆતથી લઈને ભાવિ આયોજનો દર્શાવવામાં આવ્યા હતા. આ કેક વોઈસ ઓફ ડેના પ્રસંશક સોલ્વિક્સ જવેલર્સનાં રીકેનભાઈ અને મમતાબેન રતનધારિયાએ ખાસ બનાવડાવી હતી. ઉપસ્થિત મહેમાનોએ આ કેક કટિંગ કરીને વોઈસ ઓફ ડેનો ચોથો જન્મદિવસ ઉજવ્યો હતો.
