તમિલ ગૌરવ પર કોઈ સમાધાન નહીં: સરકારી કાર્યક્રમોમાં ‘તમિલ થાઈ વાઝ્થુ’ ફરજિયાત
વંદે માતરમ વિવાદ વચ્ચે રાજ્યગીતને પ્રથમ સ્થાન
તમિલનાડુ વિધાનસભાએ સોમવારે સર્વાનુમતે ઠરાવ પસાર કરીને રાજ્યના તમામ સરકારી કાર્યક્રમો, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ તથા અન્ય જાહેર સંગઠનોમાં કાર્યક્રમની શરૂઆત પહેલાં ‘તમિલ થાઈ વાઝ્થુ’ ગાવું ફરજિયાત બનાવ્યું છે. ઠરાવ રજૂ કરતાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે જણાવ્યું હતું કે તમિલ માત્ર ભાષા નથી, પરંતુ રાજ્યના લોકોના જીવન, અસ્મિતા અને લાગણીઓનું પ્રતિક છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે રાજ્યગીતને યોગ્ય માન-સન્માન અપાવવાના મુદ્દે તેમની સરકાર કોઈ સમાધાન કરશે નહીં.
વિજયે કહ્યું કે ‘તમિલ થાઈ વાઝ્થુ’નું ગાન ભારતની એકતા સામે નહીં, પરંતુ ‘વૈવિધ્યમાં એકતા’ના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવે છે. રાજ્યને પોતાના ગીતને સત્તાવાર કાર્યક્રમોમાં પ્રથમ સ્થાન આપવાનો સંપૂર્ણ અધિકાર હોવાનું તેમણે જણાવ્યું. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું.
આ પણ વાંચો: પેસિફિકમાં 5 વાવાઝોડાનું મહાસંકટ! ચીન-જાપાન હચમચ્યા, શું ભારતનું ચોમાસું પણ અસર પામશે?
કેન્દ્ર સરકારના વંદે માતરમ સંબંધિત પરિપત્રને લઈને સર્જાયેલા વિવાદની પૃષ્ઠભૂમિમાં આવેલા આ ઠરાવને AIADMK, DMK, કોંગ્રેસ, VCK, PMK, CPI, CPI(M) અને IUML સહિત તમામ પક્ષોએ સમર્થન આપ્યું હતું. AIADMKના નેતા એડપ્પાડી કે. પલાણીસ્વામીએ જણાવ્યું કે માતૃભાષાનું સન્માન કોઈના વિરોધમાં નથી અને તમિલના હિત માટે રાજકીય મતભેદો ભૂલી એક થવું જોઈએ.
કોઈની મંજૂરી લાવાની જરૂર નથી: વિધાનસભા અધ્યક્ષની સાફ વાત
વિધાનસભાના અધ્યક્ષ જે.સી.ડી. પ્રભાકરે ઠરાવ સર્વાનુમતે પસાર થયાની જાહેરાત કરતાં કહ્યું કે તેના અમલ માટે કોઈની મંજૂરીની જરૂર નથી. 1970થી ‘તમિલ થાઈ વાઝ્થુ’નું ગાન સત્તાવાર કાર્યક્રમોમાં થતું આવ્યું છે અને 2021માં તેને સત્તાવાર રાજ્યગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો.DMKએ રાજ્યગીતને કાયદાકીય રીતે ફરજિયાત બનાવવાની માંગ કરી હતી, જ્યારે અન્ય પક્ષોએ પણ કેન્દ્ર સરકાર રાજ્યની લાગણીઓમાં હસ્તક્ષેપ ન કરે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારને વધુ મજબૂત પગલાં ભરવા અપીલ કરી હતી.
