વેપારીનું અપહરણ કરી દુબઇ રહેતા ભાઇ પાસેથી 5.55 કરોડની ખંડણી પડાવી હતી: 3.11 કરોડની ક્રિપ્ટો કરન્સી જપ્ત
ગાંધીધામના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનું અપહરણ કરી દુબઈ રહેતા વેપારીના ભાઈને વીડિયો કોલ કરી ૫.૫૫ કરોડથી વધુની ક્રિપ્ટો કરન્સીની ખંડણી પડાવવાના ચકચારી પ્રકરણમાં સુત્રધાર સહિત વધુ પાંચ આરોપીની પોલીસે ૫૭.૫૦ લાખ ડિજિટલ વોલેટ તેમજ ૩.૧૧ કરોડની મૂલ્યની ક્રિપ્ટો કરન્સી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ અંગેની મળતી માહિતી મુજબ એક સપ્તાહ પહેલાં ગાંધીધામમાંથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનું અપહરણ કરી અજ્ઞાત સ્થળે ગોંધી રાખી વેપારીને દુબઈ રહેતા ભાઈ સાથે વીડિયો કોલમાં વાતચીત કરાવી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને જીવીત છોડવાના બદલામાં દુબઈ સ્થિત ભાઈ પાસેથી ૫.૫૫ કરોડની ક્રિપ્ટો કરન્સી ઓનલાઈન ટ્રાન્સપોર્ટ કરાવી હતી.
આ પણ વાંચો: સીમાંકન મુદ્દે બોલાવેલી બેઠકમાંથી 37 સાંસદો ગાયબ, વિપક્ષે કર્યો બહિષ્કાર
આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અગાઉ ૧૦ આરોપીની ધરપકડ કરી ૪૪.૬૫ લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે સુત્રધાર સહિતના શખસો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
દરમિયાન એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પંજાબના ભટીંડામાં સુત્રધાર સહિતના આરોપીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે પંજાબ એસટીએફ સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડી ગાંધીધામના જાવેદ અભુ સાયચા (ઉ.વ.૩૪), અંજારના મુખ્ય આરોપી સોહિલ જુસબ બુચડ (ઉ.વ.૨૨), રિઝવાન હુશેન ખીચા (ઉ.વ.૨૬), મુનાવર મન્સુર બુચડ (ઉ.વ.૩૯) અને નાગજી બળદેવ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે મુનાવર બુચડ પાસેથી ૫૭.૫૦ લાખનું ડિજિટલ વોલેટ તેમજ જાવેદ અને મુનાવર પાસેથી ૩.૧૧ કરોડની ક્રિપ્ટો કરન્સી રૂા.૫.૪૨ લાખના ૧૪ મોબાઈલ ફોન, ગુનામાં વપરાયેલી થાર ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે જાવેદ સાયચા અને સોહિહલ બુચડ રીઢા ગુનેગાર હોવાનું અને તેમની સામે પાઈપલાઈનમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરી, હત્યાનો પ્રયાસ, સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના ગુના નોંધાયા છે.
