ચાંદીમાં પણ 10,000નો ઉછાળો: હાજરમાં સોનુ 1,55,475 પર પહોંચ્યું
અમેરિકા-ઈરાન વચ્ચેનું યુધ્ધ બંધ થઈ જતાં વૈશ્વિક બજારમાં તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે. બીજીબાજુ ચાઈનાએ અમેરિકન ડોલરને નબળો પાડવા મોટાપાયે ગોલ્ડની ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે ત્રણ દિવસથી સોના-ચાંદીમાં ભારે ઉછાલો જોવા મળી રહ્યો છે જેમાં ત્રણ જ દિવસમાં સોનામાં ૮૫૦૦ અને ચાંદીમાં ૧૦,૦૦૦ વધી ગયા છે.
છેલ્લા એક મહિનાથી બુલિયન માર્કેટમાં યુધ્ધની અસરના કારણે સતત ભાવ ઘટાડો જોવા મળ્યા બાદ અમેરિકાએ યુધ્ધ અટકાવી દઈ ઈરાન સાથે શાંતિ મંત્રણા શરૂ કરી દેતા બુલિયન માર્કેટમાં મંદીને બ્રેક લાગી ગઈ હતી.
બીજીબાજુ ચાઈનાએ મોટાપાયે ગોલ્ડની ખરીદી શરૂ કરતાં ત્રણ દિવસથી બુલિલયન માર્કેટમાં મોટા જમ્પ જોવા મળી રહ્યા છે. વાયદા બજારમાં સોનુ ૧,૫૦,૦૦૦નો આંક વટાવી ગયું છે. જ્યારે આજની તારીખે હાજરમાં ૨૪ કેરેટ સોનુ ૧,૫૫,૪૭૫ પર પહોંચી ગયું છે.
છેલ્લા ત્રણ દિવસમાં સોનામાં ૮૫૬૫નો ઉછાળો જોવા મળ્યો છે. ગત સપ્તાહે સોનુ ૧,૪૬,૯૧૦ પર કારોબાર કરતા જોવા મળ્યું હતું જે આજે હાજરમાં ૧,૫૫,૪૭૫ પર પહોંચી ગયું છે.
જ્યારે ચાંદીમાં પણ ત્રણ દિવસમાં ૧૦,૦૦૦નો ઉછાળો જોવા મળ્યો છે. સપ્તાહના પ્રારંભે ચાંદી ૨,૨૦,૦૦૦ની નીચે વાયદા બજારમાં કારોબાર કરતા જોવા મળી હતી. જ્યારે હાજરમાં ચાંદી ૨,૩૫,૦૦૦ પર રહીને આજે ૨,૪૫,૮૦૦ પર પહોંચી ગઈ છે.
