ગાયનું ઘી, તલનું તેલ, મધ, નારિયેળનું તેલ જેવી વસ્તુઓના વેચાણ ઉપર પ્રતિબંધ
FSSAIએ કહ્યુ, શુધ્ધતાના દાવાઓ અસ્પષ્ટ, અપ્રમાણિત અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા હોઈ શકે છે.
નવી દિલ્હી: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ ડાબર ઇન્ડિયા લિમિટેડને મધ, ગાયનું ઘી અને ખાદ્ય તેલ સહિતનાં અનેક ઉત્પાદનોને “100 ટકા” હોવાનો દાવો કરીને વેચાણ ન કરવા માટે આદેશ આપ્યો છે. FSSAIનું કહેવું છે કે આવાં પ્રકારનાં લેબલિંગ વર્તમાન નિયમોનું ઉલ્લંઘન કરે છે.
સોશિયલ મિડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં FSSAIએ જણાવ્યું હતું કે ડાબર ઇન્ડિયા લિમિટેડને ‘100 ટકા’ દાવા સાથે વેચાતાં ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર રોક લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉત્પાદનોમાં મધ, એપલ સાઇડર વિનેગર, વર્જિન કોકોનટ ઓઇલ, તલનું તેલ, ગાયનું ઘી, નાળિયેરનું પાણી, નાળિયેરનું દૂધ અને અન્ય સમાન ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા નદીમાં ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ
FSSAIના જણાવ્યાનુસાર કંપનીની વેબસાઇટ પર વેચાતાં ઉત્પાદનોમાં “100 ટકા નેચરલ”, “100 ટકા પ્યોર”, “100 ટકા પ્યોરિટી ગેરંટી”, “100 ટકા ઓર્ગેનિક” અને “100 ટકા કોકોનટ વોટર” જેવા ભ્રામક દાવાઓ જોવા મળ્યા હતા. ફૂડ રેગ્યુલેટરે સ્પષ્ટ કર્યું હતું કે આવા “100 ટકા” દાવાઓ નિયમોનું ઉલ્લંઘન કરે છે, કારણ કે આ દાવાઓ અસ્પષ્ટ, અપ્રમાણિત અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા હોઈ શકે છે.
ઉદ્યોગ માટે અગાઉથી એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે FSSAIએ મે 2025માં સમગ્ર ખાદ્ય ઉદ્યોગ માટે એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં ફૂડ બિઝનેસ ઓપરેટરોને લેબલ, પેકેજિંગ અને પ્રમોશનલ સામગ્રીમાં “100 ટકા” જેવા દાવાઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી હતી.
ડાબર ઇન્ડિયાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે અમને FSSAIની નોટિસ પ્રાપ્ત થઈ છે. અમે નોટિસમાં ઉલ્લેખિત મુદ્દાઓની તપાસ કરી રહ્યા છીએ.
