પાકિસ્તાનમાં ‘અજાણ્યા હુમલાખોરો’એ 30થી વધુ લશ્કર આતંકીઓને ઠાર માર્યા
લશ્કરના કમાન્ડરનો કેમેરા સામે દાવો,ભારત ઉપર આરોપ
પાકિસ્તાનમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના એક વરિષ્ઠ ઓપરેટિવે છેલ્લા ત્રણથી ચાર વર્ષ દરમિયાન પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સંગઠનના 30થી વધુ આતંકીઓને “અજાણ્યા હુમલાખોરો”એ ઠાર માર્યા હોવાનું પ્રથમ વખત જાહેરમાં સ્વીકાર્યું છે. લશ્કર સાથે સંકળાયેલા આતંકી રિઝવાન હનીફનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તે આ દાવો કરતો જોવા મળે છે.
હનીફના જણાવ્યા મુજબ પેશાવર, કરાચી, રાવલપિંડી, રાવલાકોટ અને મુઝફ્ફરાબાદ સહિતના વિસ્તારોમાં લશ્કરના સભ્યોની એક પછી એક નિશાન બનાવી હત્યાઓ કરવામાં આવી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ વીડિયોની સત્યતા ચકાસી હોવાનું અને વીડિયોમાં દેખાતી વ્યક્તિ ભારતને વોન્ટેડ લશ્કરનો વરિષ્ઠ આતંકી હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો: ગાયનું ઘી, તલનું તેલ, મધ, નારિયેળનું તેલ જેવી વસ્તુઓના વેચાણ ઉપર પ્રતિબંધ
વીડિયોમાં હનીફ આ હત્યાઓ પાછળ ભારતીય એજન્સીઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે ભારતે આ આરોપોને સ્પષ્ટપણે ફગાવ્યા છે. વીડિયોમાં તે હિંદુ ધર્મ વિરુદ્ધ અપમાનજનક અને દ્વેષપૂર્ણ ભાષાનો પણ ઉપયોગ કરતો સંભળાય છે. નિષ્ણાતોના મતે આ ઘટનાથી આતંકવાદી સંગઠનો કેવી રીતે ધાર્મિક લાગણીઓનો દુરુપયોગ કરીને કટ્ટરવાદ ફેલાવવાનો પ્રયાસ કરે છે તે પણ ઉજાગર થાય છે.
પ્રથમ વખત લશ્કરના આતંકીએ જાહેરમાં કર્યો સ્વીકાર
લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા કોઈ આતંકીએ પાકિસ્તાનમાં સંગઠનના સભ્યોની આ પ્રકારની રહસ્યમય હત્યાઓ અંગે પ્રથમ વખત જાહેરમાં નિવેદન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2005માં લશ્કર-એ-તૈયબાને અલ-કાયદા અને તાલિબાન સાથેના સંબંધોને કારણે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. રિઝવાન હનીફનો આ વીડિયોને આતંકી સંગઠનની આંતરિક ચિંતા અને વધતી અસુરક્ષાને ઉજાગર કરતો મહત્વનો પુરાવો માનવામાં આવી રહ્યો છે.
