ધરતીના ધણી મેહુલીયાએ એક જ માસમાં 32 તાલુકાને ધરવી દીધા: સિઝનનો 100 ટકા વરસાદ
દક્ષિણ ગુજરાતના ૧૮ તાલુકા, મધ્ય ગુજરાતના ૧૧ તાલુકા, સૌરાષ્ટ્રનો એક માત્ર માંગરોળ તાલુકો અને ઉત્તર ગુજરાતના બે તાલુકામાં આખી સિઝનનું પાણી પડી ગયું
`વાયો અષાઢી વાયરો અને મોર કરે ટહુકા રાહ જોવે વાદડી પધારો મેઘરાજા, ઘનઘોર વાદળિયું ઝળુંબે આભે જીણી વીજલડી જબુકે આજ રૂડો આવ્યો રે ધરતીનો ધણી મેહુલીયો…’ મેહુલીયાની પધરામણી થાય ત્યારે ધરતી સોળે કળાએ ખીલી ઉઠે છે. વરસાદી સિઝનની સૌથી વધુ રાહ જગતના તાત જોતા હોય છે ત્યારે ગુજરાતમાં એક મહિનો મોડો પણ વ્હાલો મેહુલીયો આવી ગયો છે ત્યારે એક માસમાં જ ધરતીને તરબતર કરી દીધી છે જેમાં ૩૨ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે.
ઓણ સાલ અલનીનોની અસરના કારણે દુકાળ પડશે તેવા વરતારા આવતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફરી વળી હતી. અધુરામાં પુરૂ ચોમાસુ કેરળમાં સમયસર આવી પહોંચ્યા બાદ મુંબઈ આવીને અટકી જતાં જગતાતની ચિંતા વધુ ઘેરી બની હતી પરંતુ રઘુવીર રીઝે રાજડા તે દિ’ નવખંડ લીલો થાય તેવા લોકગીતની માફક જુલાઈ માસના પ્રારંભે જ ગુજરાતમાં મોંઘેરા મહેમાન મેહુલીયાની પધરામણી થઈ અને ગુજરાતની ધરતી નવવધૂની જેમ ખીલી ઉઠી છે.
એક મહિના પહેલાં જ્યાં વરસાદની ચાતક પક્ષીએ રાહ જોવાતી હતી ત્યાં મેહુલીયો સાંબેલાધાર વરસીને સમગ્ર ગુજરાતને તરબોળ કરી દીધું છે જેમાં રાજ્યના ૩૨ તાલુકામાં તો સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ એક માસમાં જ વરસી ગયો છે. જ્યારે ૧૦૦ તાલુકા એવા છે કે ત્યાં એક માસમાં ૫૦૦ મીમીથી વધુ વરસાદ પડી જતાં ખેડૂતો ગેલમાં આવી જઈ ખેતીના કામમાં લાગી ગયા છે.
હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના ૩૦ તાલુકામાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે જેમાં પાટણનું સાંતલપુર ૧૧૧.૨૩ ટકા, વાવ થરાદ જિલ્લાનું ભાભર, દિયોદર ૧૦૦ ટકા, મહેસાણા જિલ્લાનું કડીમાં ૧૧૫.૧૯ ટકા. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ૧૦૩.૭૩ ટકા, ધોળકામાં ૧૦૫.૬૭ ટકા, માત્રામાં ૧૦૭.૪૦ ટકા, વિરમગામમાં ૧૧૪.૪૦ ટકા, ખેડા જિલ્લાના ખેડામાં ૧૦૧.૨૮ ટકા, મહેમદાબાદ ૧૩૫.૧૭ ટકા, માતરમાં ૧૦૯.૨૫ ટકા, નડિયાદમાં ૧૪૦.૨૭ ટકા, વસોમાં ૧૨૦.૩૮ ટકા વરસાદ પડી ગયો છે. જ્યારે આણંદ જિલ્લાના સોજીત્રામાં ૧૧૧.૫૦ ટકા વરસાદ નોંધાયો છે અને તારાપુરમાં ૯૯.૪૪ ટકા વરસાદ પડી ગયો છે.
સૌરાષ્ટ્રમાં એક માત્ર જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ૧૦૯.૭૪ ટકા વરસાદ પડ્યો છે. જ્યારે બાકીના જિલ્લામાં વાવણીલાયક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડ્યો હોય તેવા ૧૮ તાલુકાનો સમાવેશ થાય છે જેમાં ભરૂચના નેત્રંગમાં ૧૩૪.૦૭ ટકા, તાપી જિલ્લાના વાલોડમાં ૧૧૦.૯૬ ટકા, ડોલવાણમાં ૧૨૨.૫૧ ટકા, સુરત જિલ્લાના સૌથી વધુ ૭ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં અંબિકા ૧૪૯.૭૯ ટકા, બારડોલી ૧૦૮.૬૦ ટકા, કામરેજ ૧૧૫.૨૯ ટકા, ઓલવાડ ૧૦૬.૩૩ ટકા, પલસાણા ૧૩૪.૪૬ ટકા, સુરત શહેર ૧૦૪.૯૯ ટકા, ઉમરપાડા ૧૦૪.૬૩ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
નવસારી જિલ્લાના છ તાલુકામાંથી ચાર તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થયો છે જેમાં ચીખલી ૧૨૨.૧૧ ટકા, ખેરગામ ૧૨૨.૬૮ ટકા, નવસારી ૧૦૧.૬૨ ટકા, વાંસદામાં ૧૧૭.૫૫ ટકા જ્યારે ગણદેવીમાં ૯૯.૧૦ ટકા અને જલાલપોરમાં ૯૭.૩૦ ટકા વરસાદ વરસી ગયો છે.
આ ઉપરાંત વલસાડ જિલ્લાના કપરાડામાં ૧૦૫.૧૭ ટકા, પારડીમાં ૧૦૬.૭૫ ટકા, ઉમરગાંવમાં ૧૨૮.૦૪ ટકા, વલસાડમાં ૧૦૯.૦૦ ટકા વરસાદ પડ્યો જેમાં કપરાડામાં ૧૨૬ ઇંચ, ઉમરગાંવમાં ૧૦૩.૭૬ ઇંચ, નવસારીના ખેરગામમાં ૧૦૦ ઇંચ વરસાદ જોવા મળ્યો છે.
રાજ્યના ૧૦૦ તાલુકામાં ૫૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં અડધો અડધ તાલુકા દક્ષિણ ગુજરાતના છે. દક્ષિણ ગુજરાતના ૪૪ તાલુકામાં ૫૦૦ મીમીથી લઈને ૩૧૫૧ મીમી વરસાદ પડ્યો છે.
જ્યારે ઉત્તર ગુજરાતના પાંચ તાલુકામાં ૫૦૦ મીમીથી વધુ વરસાદ પડ્યો છે જેમાં રાઘનપુર, સાંતલપુર, ભાભર, દિયોદર અને કડીનો સમાવેશ થાય છે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ શહેર, બાવળા, દસક્રોઈ, દેત્રોજ, ધંધુકા, ધોળકા, માંડલ અને વિરમગામ, ખેડાના ગલતેશ્વર, કપડવંજ, ખેડા, મહેમદાબાદ, મહુધા, માતર, નડીયાદ, વસો, આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજીત્રા, તારાપુર, ડભોઈ, સીનોર, વડોદરા શહેર, બોડેલી, જેતપુર પાવી, ઘોઘલા, ગોધરા, હાલોલ, જાંબુઘોડા, કલોલ, શહેરા, બાલાસીનોર, કોઠંબા, લુણાવાડા, વીરપુરનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રના ૧૪ તાલુકામાં ૫૦૦ મીમીથી વધુ વરસાદ
સૌરાષ્ટ્ર પ્રત્યે મેઘરાજાનું ઓરમાયુ વર્તન હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રના ૮૦ તાલુકામાંથી માત્ર ૧૪ તાલુકામાં ૫૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં કેશોદ, માળિયા હાટીના, માંગરોળ, મેંદરડા, સુત્રાપાડા, પાટણ-વેરાવળ, અમરેલી, ખાંભા, લીલિયા, રાજુલા, સાવરકુંડલા, કુંકાવાવ-વડિયા, મહુવા અને બરવાળાનો સમાવેશ થાય છે.
જૂનમાં ૩૨.૨૧ અને જુલાઇમાં ૫૫૩.૩૫ ટકા વરસાદ
હવામાન વિભાગમાંથી મળતી માહિતી મુજબ જૂન મહિનામાં સરેરાશ ૩૫.૨૧ ટકા વરસાદ પડ્યો હતો જેની સામે જુલાઈ મહિનામાં સરેરાશ ૫૫૩.૩૫ ટકા વરસાદ નોંધાયો છે.
