રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તા. 02 ઓગસ્ટ ને રવિવારના રોજ યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલત્વી રખાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાનુસાર સ્વચ્છતા અભિયાન હવે આગામી તા. ૦૯ ઓગસ્ટ, રવિવારના રોજ યોજાશે: પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ તા. ૦૨ ઓગસ્ટ, રવિવારના રોજ રાજ્યભરમાં યોજાનાર સ્વચ્છતા અભિયાન હવે આગામી તા. ૦૯ ઓગસ્ટ, રવિવારના રોજ યોજાશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં દર મહિનાના પ્રથમ રવિવારે “સ્વચ્છતા અભિયાન” હાથ ધરીને ઓછામાં ઓછા એક કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીના આહ્વાનને પગલે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે એટલે કે, તા. ૨ ઓગસ્ટના રોજ રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવનાર હતું.
હાલમાં રાજ્યમાં વરસાદી વાતાવરણની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીની સૂચનાથી આ સ્વચ્છતા અભિયાન સાવચેતીના પગલાંઓ રૂપે મુલ્તવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્વચ્છતા અભિયાન હવે આગામી તા. ૯ ઓગસ્ટને રવિવારના રોજ હાથ ધરવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ અભિયાનમાં જનપ્રતિનિધિઓ, સ્થાનિક પદાધિકારીઓ-અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકો એક સાથે જોડાઈને સામૂહિક સફાઈના કામો હાથ ધરશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
