વિરોધ પ્રદર્શનની આશંકા વચ્ચે TISSનો દીક્ષાંત સમારોહ મોકૂફ
ચીફ જસ્ટિસ સૂર્યકાંત મુખ્ય અતિથિ બનવાના હતા; સંસ્થાએ ‘અણધાર્યા સંજોગો’ કારણ ગણાવ્યું,
મુંબઈની પ્રખ્યાત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસમાં વિરોધ પ્રદર્શનની આશંકા વચ્ચે 2 ઓગસ્ટે યોજાનારો 86મો દીક્ષાંત સમારોહ છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના હતા. જોકે સંસ્થાએ સત્તાવાર રીતે માત્ર “અણધાર્યા સંજોગો”ને કારણ ગણાવ્યું છે, જ્યારે સંસ્થાના અધિકારીઓ અને વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કોકરોચ જનતા પાર્ટી (CJP) સાથે જોડાયેલા સંભવિત વિરોધ પ્રદર્શનને લઈને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ચીફ જસ્ટિસની મુલાકાતને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કેમ્પસની મુલાકાત પણ લેવામાં આવી હતી અને સુરક્ષાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જોકે વિરોધ પ્રદર્શનની આશંકા અને સમારોહ મોકૂફ રાખવાના નિર્ણય વચ્ચે સીધો સંબંધ હોવાનું TISSએ સત્તાવાર રીતે સ્વીકાર્યું નથી.
આ પણ વાંચો: ઈરાન પર મહા ભયાનક હુમલો કરવાનો ટ્રમ્પનો સેનાને આદેશ
છેલ્લી ઘડીએ લેવાયેલા આ નિર્ણયથી સ્નાતક બનનારા વિદ્યાર્થીઓમાં ભારે નિરાશા ફેલાઈ છે. અનેક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમના માતા-પિતા અને પરિવારજનો માટે મુસાફરી તેમજ રહેવાની અગાઉથી બુકિંગ કરાવી દેવામાં આવી હતી.
શુક્રવારે જાહેર કરાયેલા નિવેદનમાં TISSએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, મહાનુભાવો અને સમગ્ર કેમ્પસના હિત તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને આ મુશ્કેલ નિર્ણય લેવાયો છે. સંસ્થાએ દીક્ષાંત સમારોહની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવાની ખાતરી આપી છે. સાથે જ વિદ્યાર્થીઓને જરૂરી પ્રોવિઝનલ ડિગ્રી, માર્કશીટ અને અન્ય શૈક્ષણિક દસ્તાવેજો નિયમિત પ્રક્રિયા મુજબ મળતા રહેશે તેમ પણ જણાવ્યું છે.
વિદ્યાર્થીઓ-વાલીઓને હાલાકી, વળતરની અરજી પર વિચાર
દીક્ષાંત સમારોહ અચાનક મોકૂફ રહેતા દેશભરમાંથી આવનારા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને આર્થિક તથા માનસિક હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અનેક લોકોએ મુસાફરી અને હોટેલનું અગાઉથી બુકિંગ કરાવી દીધું હતું. TISSએ જણાવ્યું છે કે આવા વિદ્યાર્થીઓની આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કેસ-ટુ-કેસ ધોરણે વળતર અથવા રાહત અંગેની અરજીઓ પર સંસ્થાના નિયમો મુજબ વિચાર કરવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓને ઈ-મેલ દ્વારા નિર્ણયની જાણ કરી દેવામાં આવી છે અને દીક્ષાંત સમારોહ નવી તારીખે શક્ય તેટલી વહેલી તકે યોજવામાં આવશે.
