તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન RAFની કાર્યવાહી પર અતિરેકના આક્ષેપો વચ્ચે CRPF ડીજીનું સૂચક નિવેદન
તાજેતરમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન રેપિડ એક્શન ફોર્સ (RAF)ની કાર્યવાહી પર અતિરેકના આક્ષેપો થયા બાદ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના ડિરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે જવાનોને નિર્ભય બનીને ફરજ બજાવવાનો સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, બોના ફાઇડ રીતે ફરજ બજાવતી વખતે જવાનો જે પણ નિર્ણય લેશે અથવા જે કાર્યવાહી કરશે, તેની સંપૂર્ણ જવાબદારી અને જવાબદેહી તેઓ ડિરેક્ટર જનરલ તરીકે સ્વીકારશે.
CRPFના અલંકાર સમારોહમાં સંબોધન કરતાં સિંહે કહ્યું કે, “ઓપરેશનલ બટાલિયન હોય કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતી યુનિટ, ફરજ દરમિયાન લેવાયેલા દરેક સચ્ચાઈપૂર્વકના નિર્ણય પાછળ હું ઊભો છું. તમે કોઈપણ ભય વિના તમારી ફરજ બજાવતા રહો.”
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં વિદ્યાર્થી પરીક્ષા પેપર લીક મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન RAFની કાર્યવાહી અંગે ઉઠેલા પ્રશ્નોના જવાબમાં સિંહે કહ્યું હતું કે, CRPFની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ સમગ્ર ઘટનાની વ્યાવસાયિક સમીક્ષા (Professional Post-Event Assessment) કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં અતિભારે વરસાદ વચ્ચે માર્ગ અને મકાન વિભાગની અભૂતપૂર્વ કામગીરી
નોંધનીય છે કે RAF, CRPFનું વિશેષ યુનિટ છે, જેને રમખાણો નિયંત્રણ, ભીડ વ્યવસ્થાપન અને નાગરિક અશાંતિ જેવી પરિસ્થિતિઓને સંભાળવાની ખાસ તાલીમ આપવામાં આવે છે.
અત્યંત મુશ્કેલ સંજોગોમાં કપરી ફરજ બજાવે છે CRPF
દેશના લગભગ તમામ રાજ્યોમાં કાર્યરત CRPF વિવિધ પ્રકારની સુરક્ષા પડકારોનો સામનો કરતું સૌથી મોટું કેન્દ્રીય અર્ધલશ્કરી દળ છે. ઉત્તર-પૂર્વમાં બળવાખોરો સામેની કાર્યવાહીઓથી લઈને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન સુધી CRPF સતત મોખરે રહી છે. તેની CoBRA કમાન્ડો બટાલિયનોને જંગલ અને ગેરિલા યુદ્ધમાં નિષ્ણાત માનવામાં આવે છે. મણિપુરમાં 2024 દરમિયાન કુકી બળવાખોરો સામેની અથડામણ સહિત અનેક સંવેદનશીલ ઓપરેશનોમાં દળે મહત્વની ભૂમિકા ભજવી છે. અત્યંત જોખમી અને ક્ષણક્ષણ બદલાતી પરિસ્થિતિઓમાં કામ કરવા છતાં CRPF માટે દરેક નિર્ણયમાં ભૂલની શક્યતા અત્યંત ખૂબ ઓછી હોય છે.
