ગુજરાતમાં અતિભારે વરસાદ વચ્ચે માર્ગ અને મકાન વિભાગની અભૂતપૂર્વ કામગીરી
રાજ્યભરમાં બંધ થયેલા રસ્તાઓ પૈકી હાલમાં ૯૪% રસ્તા મરામત બાદ પૂર્વવત્
દક્ષિણ ગુજરાતમાં અસરગ્રસ્ત ૧,૨૫૧ રસ્તાઓ પૈકી ૯૮%થી વધુ રસ્તાઓ વાહન વ્યવહાર માટે પુનઃ ખુલ્લા મૂકાયા
૧,૪૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓ અને ૩૦૦થી વધુ હેવી મશીનરી સાથે ૨૪×૭ યુદ્ધના ધોરણે કામગીરી
ગાંધીનગરથી ૬ વિશેષ ડિઝાઇન ટીમો દ્વારા પુલો અને સરકારી ઈમારતોનું તકનીકી મૂલ્યાંકન કરાયું
મીડિયા અહેવાલોના આધારે ક્ષતિગ્રસ્ત થયેલા ૧૨૦ જેટલા રસ્તાઓની પણ તાત્કાલિક મરામત
તાજેતરમાં ગુજરાતમાં સર્જાયેલી અસાધારણ અને અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્યના માર્ગ અને મકાન વિભાગે નાગરિકોના હિતમાં પ્રશંસનીય કામગીરી કરી છે. ખાસ કરીને તા. ૨૩ થી ૨૭ જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાબકેલા ભારે વરસાદના કારણે જળબંબાકાર અને પૂર જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. આવી કટોકટીની ક્ષણોમાં પણ માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે મરામત હાથ ધરી બંધ થયેલા રસ્તાઓને ગણતરીના કલાકોમાં વાહન વ્યવહાર માટે પુનઃ કાર્યરત કર્યા હતા.
માર્ગ અને મકાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર, અતિભારે વરસાદના આ પાંચ દિવસ દરમિયાન સુરક્ષાના કારણોસર, પાણીના ઓવરટોપિંગ તથા રસ્તાઓને ક્ષતિ પહોંચવાને કારણે સમગ્ર રાજ્યમાં કુલ ૧,૫૪૦ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. વિભાગની ઝડપી કામગીરીના પરિણામે હાલની સ્થિતિએ આશરે ૯૪ ટકા એટલે કે ૧,૪૫૧ રસ્તાઓ મરામત બાદ પૂર્વવત્ કરી દેવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ વધુ ગંભીર હતી, જ્યાં ભારે વરસાદમાં બંધ થયેલા ૧,૨૫૧ રસ્તાઓ પૈકી ૧,૧૮૭ રસ્તાઓ પર માત્ર ૨૪ થી ૪૮ કલાકના ટૂંકા ગાળામાં જ વાહન વ્યવહાર પુનઃશરૂ કરી દેવાયો હતો. હાલ દક્ષિણ ગુજરાતના ૧,૨૩૬ એટલે કે ૯૮%થી વધુ રસ્તાઓ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે ખુલ્લા મૂકી દેવાયા છે.
આ પણ વાંચો: વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર કીર્તિ પટેલની સુરેન્દ્રનગરમાંથી ધરપકડ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા માર્ગ અને મકાન વિભાગના સચિવના માર્ગદર્શન હેઠળ વિભાગે ‘૪ સ્તંભીય વ્યૂહરચના’ અપનાવીને ૨૪×૭ કામગીરી હાથ ધરી હતી:
મેનપાવર ડિપ્લોયમેન્ટ: કટોકટીના આ સમયમાં ૧૪૫ તકનીકી અધિકારીઓ અને ૧,૩૧૬ ગ્રાઉન્ડ લેબર મળી ૧,૪૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓ દિવસ-રાત ફિલ્ડમાં તૈનાત રહ્યા હતા.
ભારે મશીનરીનો ઉપયોગ: ૧૯૫ JCB, ૮૬ ટ્રેક્ટર અને ૫૯ ડમ્પર સહિત ૩૦૦થી વધુ ભારે વાહનો-મશીનરી મોકલી રસ્તાઓ પરના ભંગાણ અને માટીનો કાટમાળ ઝડપથી હટાવાયો હતો.
૨૪×૭ કંટ્રોલ અને પળ-પળનું સંકલન: ગાંધીનગર સ્ટેટ ફ્લડ કંટ્રોલ સેલ ખાતેથી દર ૨ કલાકે રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવ્યું. વલસાડ કમાન્ડ બેઝથી મુખ્ય ઇજનેર અને ખાસ ફરજ પરના અધિકારી દ્વારા સુરત, નવસારી અને વલસાડમાં સીધું સંકલન સાધવામાં આવ્યું હતું.
વિશેષ તકનીકી મૂલ્યાંકન: ગાંધીનગરથી ૬ વિશેષ ડિઝાઇન ટીમો રવાના કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી ઈમારતો અને પુલોની સ્ટ્રક્ચરલ ઈન્ટિગ્રિટી (મજબૂતી) અને સલામતીનું તકનીકી મૂલ્યાંકન કરાયું હતું.
માર્ગ અને મકાન વિભાગે નાગરિકોની સુવિધા માટે મીડિયા માધ્યમોના અહેવાલો પ્રત્યે પણ અત્યંત સકારાત્મક અને સંવેદનશીલ અભિગમ દાખવ્યો હતો. વિવિધ સમાચાર માધ્યમોમાં પ્રકાશિત ક્ષતિગ્રસ્ત કે બંધ રસ્તાઓના અહેવાલોને ગંભીરતાથી લઈ ત્વરિત ધોરણે ૧૨૦ જેટલા રસ્તાઓની મરામત કરી વાહન વ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.
