ગીરનાર સીડી પર જ્યાં બાળકને ફાડી ખાધો’તો ત્યાં વહેલી સવારે ત્રણ-ત્રણ સાવજ નજરે પડ્યા
વન વિભાગે ત્રણેય સાવજને પગથિયા પાર કરાવી જંગલમાં ખદેડી દીધા
જૂનાગઢના સુપ્રસિધ્ધ યાત્રાધામ ગીરનાર પર્વત પર ૫૦ પગથિયે પરિવાર સાથે જતાં ૧૧ વર્ષના બાળકને સિંહ ઉપાડી ગયા બાદ બાળકને ફાડી ખાધો હતો જે ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા બાદ રાજ્ય સરકારે યાત્રાળુઓની સુરક્ષા માટે નવી એસઓપી બનાવી ગીરનાર પગથિયે વન વિભાગની ચોકીઓ શરૂ કરવા અને રાઉન્ડ ધ ક્લોક સ્ટાફની નિમણૂંક કરવાના આદેશ કર્યા હતા જેમાં યાત્રાળુઓની ફરજિયાત એન્ટ્રી કરવાનો નિયમ બનાવ્યો હતો પરંતુ આજે પરોઢિયે ફરી આ જ સ્થળે એક સાથે ત્રણ-ત્રણ સાવજ નજરે પડતા યાત્રાળુઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જો કે વન વિભાગના સ્ટાફે સમયસર ત્રણેય સાવજને પગથિયા પાર કરાવી જંગલમાં ખદેડી મુક્યા હતા.
જૂનાગઢ ગીરનાર પર્વત પર ગત તા.૧૧-૭-૨૬ના પરિવાર સાથે જતાં ૧૨ વર્ષના મયુરસિંહ ચૌહાણને પરિવારને નજર સામે સાવજ ઢસડીને જંગલમાં લઈ ગયા બાદ બાળકને ફાડી ખાધો હતો.
આ પણ વાંચો: બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું `રામાયણ’નું ભવ્ય ટ્રેલર
આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા હતા. ગીરનાર પર્વત પર હજારો યાત્રાળુઓ આવતા હોય તેમની સલામતી માટે રાજ્ય સરકારે નવી એસઓપી બનાવી હતી જેમાં ગીરનાર પર્વત પર વન વિભાગની ચોકીઓ શરૂ કરવા તેમજ આવતા-જતા શ્રધ્ધાળુઓની ફરજિયાત એન્ટ્રી કરવાનો નિયમ બનાવ્યો છે.
દરમિયાન આજે વહેલી સવારે ૩ વાગ્યે જે સ્થળેથી બાળકને સાવજ ઉપાડી ગયો હતો તે જ સ્થળે એકસાથે ત્રણ-ત્રણ સાવજ નજરે પડતા યાત્રાળુઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં વન વિભાગે તાત્કાલીક ૫૦ પગથિયે પહોંચી ત્રણેય સાવજને પગથિયા પાર કરાવી જંગલમાં મોકલી આપ્યા હતા તેમજ ત્રણેય સાવજ પર વન વિભાગ નજર રાખી રહ્યું છે.
