વેપારી રાજુ ભમ્મરને બદનામ કરવાની ધમકી આપી ખંડણી માંગી હતી: સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલની શોધખોળ
સતત વિવાદમાં રહેતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની વહેલી સવારે સુરેન્દ્રનગરના રતનપરમાં પિતાના ઘરેથી સુરત પોલીસે ધરપકડ કરી હતી. પુણા પોલીસ સ્ટેશન ખાતે કીર્તિ પટેલને લઈ આવ્યા બાદ પોલીસ સ્ટેશન માથે લઈ ધમાલ મચાવી દીધી હતી.
સુરતની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ હંમેશા વિવાદ સાથે ઘેરાયેલી રહે છે. તાજેતરમાં કીર્તિ પટેલ અને સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સાથે સોશિયલ મીડિયામાં બદનામ કરી આપવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી હતી.
આ ઘટના અંગે વેપારી રાજુ ભમ્મરે સુરતની પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને નયના બારૈયા સામે ફરિયાદ નોંધાવ્યા બાદ કીર્તિ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી.
આ પણ વાંચો: ગીરનાર સીડી પર જ્યાં બાળકને ફાડી ખાધો’તો ત્યાં વહેલી સવારે ત્રણ-ત્રણ સાવજ નજરે પડ્યા
દરમિયાન કીર્તિ પટેલ સુરેન્દ્રનગર રતનપર ખાતે પિતાના ઘરે છૂપાઈ હોવાની સુરત પોલીસને માહિતી મળતા સુરેન્દ્રનગર પોલીસની મદદથી વહેલી સવારે કીર્તિ પટેલની તેના પિતાના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી.
વિવાદાસ્પદ કીર્તિ પટેલને બપોરે સુરત પુણા પોલીસ મથક પર લઈ આવવામાં આવી ત્યારે કીર્તિ પટેલે પોલીસ સ્ટેશન માથે લઈ ધમાલ મચાવી દીધી હતી અને ફરિયાદી વેપારી રાજુ ભમ્મરને ખુલ્લો પડકાર ફેંક્યો હતો જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, હંમેશા વિવાદમાં રહેતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તાજેતરમાં જ સરકારે પ્રતિબંધ મુક્યો હતો.
