અનંતનાગમાં આતંકી હુમલો: ફરજ પરના હેડ કોન્સ્ટેબલ શહીદ, સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન યુદ્ધના ધોરણે શરૂ
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકની છાયા. અનંતનાગના લાલ ચોક નજીક ફરજ બજાવી રહેલા પોલીસ જવાનો પર આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો. આ હુમલામાં 35 વર્ષીય હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી દેશ માટે શહીદ થયા. હુમલા બાદ આખો વિસ્તાર સુરક્ષા દળોની ઘેરાબંધીમાં છે અને ફરાર આતંકીઓને પકડવા સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. શહાદતના સમાચારથી સમગ્ર ખીણમાં શોકની લાગણી છે.
પેટ્રોલિંગ દરમિયાન થયો હુમલો, હેડ કોન્સ્ટેબલ શહીદ
આ ઘટના અનંતનાગ જિલ્લાના લાલ ચોક નજીક કોકરનાગ રોડ પર બની. IR 3જી બટાલિયનના બેલ્ટ નંબર 20ના જવાન 35 વર્ષીય હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી નિયમિત પેટ્રોલિંગ પર હતા. આશિક હુસૈન મૂળ બડગામ જિલ્લાના બિરુ વિસ્તારના રહેવાસી હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, એક વાહનમાં સવાર થઈને આવેલા આતંકવાદીઓએ અચાનક પોલીસ કર્મચારીઓને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. હુમલામાં આશિક હુસૈનને માથા અને શરીર પર ગંભીર ગોળીઓ વાગી. હુમલો કરીને આતંકવાદીઓ તરત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.
આ પણ વાંચો: સુરતમાં મન્ચુરિયનની પ્લેટમાંથી નીકળ્યો મૃત ઉંદર: ચાઇનીઝ સેન્ટરને ₹10 હજારનો દંડ
હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું દુઃખદ અવસાન
ઘાયલ આશિક હુસૈનને સાથી જવાનો અને સ્થાનિકોની મદદથી તાત્કાલિક GMC અનંતનાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ તેમને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા, પરંતુ ઈજાઓ ગંભીર હોવાના કારણે ટૂંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. વહીવટીતંત્ર દ્વારા તમામ તબીબી અને કાનૂની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી રહી છે. તેમની શહાદતના સમાચારથી પોલીસ વિભાગ અને વતનમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન, સુરક્ષા કડક
ઘટનાની જાણ થતાં જ ભારતીય સેના અને વધારાના પોલીસ દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. લાલ ચોક અને આસપાસના સમગ્ર વિસ્તારને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. ફરાર આતંકવાદીઓને ઝડપવા માટે યુદ્ધના ધોરણે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે “આ કાયરતાપૂર્ણ કૃત્ય કરનારાઓને કોઈપણ ભોગે બક્ષવામાં આવશે નહીં. તેમને ટૂંક સમયમાં જ ઝડપી લેવામાં આવશે.” આ વિસ્તારમાં હાલ સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.
