હવામાન વિભાગની લીલીઝંડી વગર ફ્લાઇટ લેન્ડિંગ કે ટેકઓફ ન થઇ શકે !
રાજકોટમાં 1877થી કાર્યરત છે હવામાન વિભાગની કચેરી
14 જાન્યુઆરીએ ભારતીય હવામાન વિભાગ થશે 150 વર્ષનું : આધુનિક શસ્ત્રો છોડવા માટે પણ હવામાન વિભાગની સટીક આગાહીની પડે છે જરૂરત
ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ત્રણ ઋતુઓઓ ઉપરાંત છેલ્લા એક દાયકામાં વાતાવરણમાં આવેલા બદલાવમાં મોસમ ક્યારે મિજાજ બદલે તે કહેવું મુશ્કેલ છે ત્યારે ભારતીય હવામાન વિભાગ જીપીએસ, સેટેલાઇટ ઉપરાંત રડાર મારફતે આબોહવા ઉપર સતત બારીકાઈથી નજર રાખી હવામાનના સટીક આંકડાની જાણકારી મેળવી જનજન સુધી પહોંચાડવા ઉપરાંત ઉડયન વિભાગ અને સૈન્યને પણ હવામાનની સચોટ માહિતી પુરી પાડવાનું કાર્ય કરી રહ્યું છે. આઝાદી પૂર્વેથી દેશમાં સ્વતંત્ર રીતે હવામાન વિભાગ કાર્યરત છે અને આગામી તા.14 જાન્યુઆરીના રોજ હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજિકલ વિભાગ પોતાના અસ્તિત્વ અને સફળતાના 150 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે, રાજકોટમાં પણ 148 વર્ષથી એટલે કે,અંગ્રેજોના શાસનકાળથી હવામાન વિભાગ કાર્યરત છે. મહત્વનું છે કે, ઉડયન વિભાગ પણ હવામાન વિભાગની આગાહી અને રિપોર્ટ મુજબ જ હવાઈ જહાજનું આવાગમન સંચાલન કરે છે. હાલમાં રાજકોટના જુના અને નવા એરપોર્ટ ખાતે હવામાન વિભાગની કચેરી કાર્યરત છે જે દર અડધી કલાકે એટીસીને હવામાનનો રિપોર્ટ આપે છે જેના આધારે એટીસી ફ્લાઇટ ટેકઓફ અને લેન્ડિંગના નિર્ણય લે છે.
હવામાનની અનિશ્ચિતતાને કારણે વિદેશની ધરતી ઉપર લોકો હવામાનની આગાહી મેળવ્યા બાદ જ નવા દિવસની શરૂઆત કરતા હોય છે જો કે, ભારતમાં વૈવિધ્યપૂર્ણ આબોહવા છતાં લોકોમાં આવો સિનારિયો નથી પરંતુ ભારતના ઉડયન વિભાગ માટે હવામાનની સટીક સચોટ આગાહી વગર હવાઈ જહાજનું લેન્ડિંગ કરવું કે, ટેક ઓફ કરવું શક્ય નથી. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ રાજકોટ કચેરીના ઇન્ચાર્જ મૌસમ વિજ્ઞાનિક-બી જગત ત્રિવેદી જણાવે છે કે, રાજકોટમાં 18 જૂન 1877થી હવામાન વિભાગની કચેરી કાર્યરત છે, રાજકોટની કચેરીમાં હાલમાં 11 કર્મચારીઓ જુદી-જુદી જવાબદારી સંભાળી રહ્યા છે. જેમાં મુખ્ય જવાબદારી રાજકોટના એરપોર્ટ ઉપર હવામાન ઉપર નજર રાખવાની જવાબદારી આઇએમડીની મુખ્ય છે.સામાન્ય દિવસોમાં દર અડધી કલાકે અને ખરાબ મોસમ હોય ત્યારે દર દસ મિનિટે હવામાન વિભાગ એરપોર્ટ ટ્રાફિક કંટ્રોલરને હવામાન અંગેની સચોટ જાણકારી આપતું રહે છે.
રાજકોટ હવામાન વિભાગના ઇન્ચાર્જ મૌસમ વિજ્ઞાનિક-બી જગત ત્રિવેદી ઉમેરે છે કે, હવામાન વિભાગ દ્વારા દરરોજ વહેલી સવારે લઘુતમ તાપમાન તેમજ દિવસ દરમિયાન તાપમાનના ફેરફારો અને મહત્તમ તાપમાનની જાણકારી મેળવવામાં આવે છે આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ, ચોમાસા દરમિયાન વરસાદના આંકડા મેળવા, પવનની દિશા, ઝડપ ઉપરાંત આકાશમાં છથી 12 કિલોમીટરની ઉંચાઈએ હવાનું દબાણ, દિશા, હવાનો ભેજ, દ્રશ્યતા સહિતના સચોટ આંકડા મેળવવાની કામગીરી મુખ્ય હોય છે. તેઓ ઉમેરે છે કે, તાપમાન માપવા માટે મર્ક્યુરી થર્મોમીટરનો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે. હવે અલગ અલગ પ્રકારના સેન્સર પણ ઉપલબ્ધ છે જેમાં ડિજિટલ માહિતી મળે એ ઉપરાંત આજના આધુનિક સમયમાં ઓટોમેટિક સાધનો કાર્ય કરતા થતા વાતાવરણની સટીક માહિતી શોર્ટ પિરિયડ એટલે કે દસ મિનિટમાં મળે છે. આજે હવામાન વિભાગ ઉપગ્રહો મારફતે પણ વાતવરણ ઉપર સતત નજર રાખી રહ્યા છે જે સચોટ માહિતી ઉપરાંત સચોટ આગાહી કરવામા પણ અત્યંત ઉપયોગી છે.
જગત ત્રિવેદી સરપ્રદ માહિતી આપતા જણાવે છે કે, અગાઉના સમયમાં હવામાનની જાણકારી માટે પાયલોટ બલૂન એટલે કે, હાઇડ્રોજન ભરેલો ફુગો છોડવામાં આવતો જેને થોયોડોલ લાઈટથી જોવામાં આવતો અને આ ફુગ્ગાની દિશા અને ઉંચાઈ ઉપરથી પૃથ્વી ઉપરના વાતાવરણમાં પવનની દિશા અને ઝડપ જોવામાં આવતી ઉપરની હવાના આધારે વતાવરણની આગાહી કરવામાં આવતી. બાદમાં બાદમાં રેડિયો સોંડે રેડિયો વિન્ડ નવું સાધન આવ્યું અને રેડિયો વેવ્સ મારફતે ફુગો ઉપરની હવાની માહિતી આપતું આરએસઆરડબ્લ્યુ દ્વારા માહિતી મળતી જેમાં આકાશમાં ઉંચાઈ ઉપરનો ભેજ, દબાણ અને તાપમાનની માહિતી મળી શકે છે. ત્યાર બાદ જીપીએસ આવ્યું જેથી હવે વધુ ઉંચાઈ સુધી બલૂનના ઓબ્ઝર્વેશન મળે છે અને 6 કિલોમીટર ઉંચાઈથી લઈ 10 થી 12 કિમી સીધીના હવાના માપદંડ ચોક્સાઇ પૂર્વકના જાણવા મળે છે. સાથે જ આજના સમયમાં રડાર થકી પણ હવામાનની અતિ મહત્વ પૂર્ણ જાણકારી મળે છે. હાલમાં ભુજમા અને મુંબઈમા હવામાન વિભાગના રડાર છે.
તાપમાન માપવા માટે ખાસ પેટીમાં ગોઠવાયેલા હોય છે થર્મોમીટર
ઇન્ચાર્જ મૌસમ વિજ્ઞાનિક જગત ત્રિવેદી જણાવે છે કે, તાપમાન માપવા માટે મર્ક્યુરી થર્મોમીટરનો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે. હવે અલગ અલગ પ્રકારના સેન્સર પણ ઉપલબ્ધ છે જેમાં ડિજિટલ માહિતી મળે એ ઉપરાંત આજના આધુનિક સમયમાં ઓટોમેટિક સાધનો કાર્ય કરતા થતા વાતાવરણની સટીક માહિતી શોર્ટ પિરિયડ એટલે કે દસ મિનિટમાં મળે છે. આજે હવામાન વિભાગ ઉપગ્રહો મારફતે પણ વાતવરણ ઉપર સતત નજર રાખી રહ્યા છે જે સચોટ માહિતી ઉપરાંત સચોટ આગાહી કરવામા પણ અત્યંત ઉપયોગી છે.
રાજકોટમાં 1877થી હવામાન વિભાગ કાર્યરત
રાજકોટ હવામાન વિભાગના ઇન્ચાર્જ મૌસમ વિજ્ઞાનિક જગત ત્રિવેદી જણાવે છે કે, રાજકોટમાં 18 જૂન 1877થી એટલે કે, અંગ્રેજોના સમયથી હવામાન વિભાગની કચેરી કાર્યરત છે. હાલમાં રાજકોટ હવામાન વિભાગની કચેરીમાં મૌસમ વિજ્ઞાનિક બી ઉપરાંત અન્ય 10 કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક નવા અને જુના એરપોર્ટ ઉપર કામગીરી કરી રહ્યા છે.
રાજકોટમાં અંગેજોના સમયનું બેરોમીટર આજે પણ હયાત
રાજકોટમાં 1877થી કાર્યરત હવામાન વિભાગની કચેરીમાં ઈ.સ.1941માં નિર્માણ થયેલ બેરોમીટર હયાત છે, અંગ્રેજોના શાસન દરમિયાન મેઇડ ઈન લંડન બેરોમીટર થકી હવામાનની જાણકારી મેળવવામાં આવતી હોવાનું હેમહવામાન વિભાગના કર્મચારીઓ જણાવી રહ્યા છે.
આ સાધનોથી મળે છે હવામાનની માહિતી
હવામાન વિભાગની કચેરીમાં બેરો મીટર, અલગ -અલગ ચાર પ્રકારના મેક્સિમમ, મિનિમમ, ડ્રાય બલ્બ, વેટ બલ્બ થર્મોમીટર, એનેમો મીટર, વિન્ડવેન, દ્રશ્યતા દર્શાવતા એફએસએમ, વાદળોની ઉંચાઈ દર્શાવતા સિલો મીટર, રેઇન ગેજ, ડયું ગેજ અને ઇવોપરી મીટર મુખ્ય સાધનો છે. હાલમાં ઓટોમેટિક સેટ પણ ઉપલબ્ધ છે. સાથે જ રાજકોટ ખાતે એક ખાસ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ પણ મુકાયું છે જે રાજકોટના 100 કિલોમીટર ત્રિજીયામાં ક્યાંય પણ વીજળી થાય તો તેની નોંધ રાખે છે અને હવામાન વિભાગની દામિની એપમાં આ આંકડા દર્શાવે છે.
ધુમ્મસ અને સીબી ક્લાઉડ હવાઈ વ્યવહાર માટે જોખમી
રાજકોટ હવામાન વિભાગના વડા જગત ત્રિવેદી કહે છે કે, તમામ પ્રકારના હવાઈ વ્યવહાર વાતાવરણને જ આધારિત હોય હવામાન ખાતાની સચોટ આગાહીના કારણે જ સુચારુ રૂપે હવાઈ વ્યવહાર જળવાઈ રહે છે.ખાસ કરીને વાતાવરણમાં ધુમ્મસ અને સીબી ક્લાઉડની સ્થિતિ હોય ત્યારે બારીકાઈથી હવામાન ઉપર નજર રાખવી પડે છે. આધુનિક મિસાઈલ જેવા શસ્ત્રો છોડવા માટે પણ હવામાનની સટીક માહિતીની આવશ્યતા રહેતી હોવાનું તેમને ઉમેરી હીરાસરમાં છેલ્લા એક વર્ષના ચાર પાંચ બનાવમાં વાતવરણને કારણે ફ્લાઇટનું ઉતરાણ ન થઇ શક્યું હોવાનું ઉમેરી હવામાન વિભાગનો એક સ્ટાફ દર અડધી કલાકે અને ખરાબ વતાવરણ સમયે દર દસ મિનિટે એટીસીને રિપોર્ટ આપતો હોવાનું જણાવ્યું હતું.
ખેતીવાડી ક્ષેત્રે પણ હવામાન વિભાગની સચોટ આગાહી
ભારતની અંદર લેવાતા વિવિધ પાકો પણ હવામાન આધારિત હોય હવામાન વિભાગ દ્વારા કૃષિવિભાગ માટે ખાસ આગાહી કરવામાં આવે છે, રાજકોટ હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ તેમજ સૂકી ખેતી સંશોધન કેન્દ્ર તરઘડીયાને પણ હવામાન અંગેની જાણકારીના ડેટા આપવામાં આવતા હોવાનું અને હવામાન વિભાગની આગાહી મુજબ જ કૃષિ વિભાગ ખેડૂતો માટે ઉપયોગી આગાહી કરતો હોવાનું પણ મૌસમ વિજ્ઞાનિક જગત ત્રિવેદીએ જણાવ્યું હતું.