ગિરનાર પર દૂધધારા અભિષેક અટકાવતાં ઘર્ષણ: પ્રતિબંધ વચ્ચે પૂજા કરવામાં આવતા તંત્ર-શ્રદ્ધાળુ સામસામે
પવિત્ર ગિરનાર પર્વત પર આજે એક તરફ જૈન અને સનાતન ધર્મની અટૂટ આસ્થા હતી, તો બીજી તરફ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તંત્રનો લોખંડી પોલીસ બંદોબસ્ત. લાડુ નિર્વાણ દિવસ અને ઐતિહાસિક દૂધારા યાત્રાને લઈને હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, પરંતુ વહીવટી તંત્રના કડક પ્રતિબંધો વચ્ચે ગિરનાર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું. પરિણામે શ્રદ્ધા અને કાયદા વચ્ચે સીધો ગજગ્રાહ જોવા મળ્યો.
શેના માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ?
આજે જૈન ધર્મનો પવિત્ર લાડુ નિર્વાણ દિવસ છે. પરંપરા મુજબ ભગવાન નેમીનાથના મોક્ષ કલ્યાણક નિમિત્તે ગિરનાર પર્વત પર લાડુ ચડાવવાનું વિશેષ મહત્વ છે. વરસાદી માહોલ વચ્ચે પણ દેશભરમાંથી હજારો જૈન શ્રદ્ધાળુઓ ગિરનાર સર કરી રહ્યા છે. તળેટીથી લઈને પર્વત સુધી કેસરિયા માહોલ છવાયો છે.
સાથે જ રૈયવત સમિતિ દ્વારા ગિરનારના ઇતિહાસમાં પ્રથમવાર ભવ્ય દૂધધારા અભિષેક યાત્રાનું આયોજન કરાયું હતું. ભવનાથ મહાદેવ મંદિરથી શરૂ થઈને ગિરનારના દરેક પગથિયે દુગ્ધાભિષેક કરીને દત્ત પાદુકા પર યાત્રા પૂર્ણ કરવાનો સંકલ્પ હતો.
તંત્રનો કડક વલણ અને બંદોબસ્ત
કાયદો-વ્યવસ્થા અને શાંતિ જાળવવા વહીવટી તંત્રએ કડક જાહેરનામું બહાર પાડ્યું. તે મુજબ ગિરનાર પર કોઈપણ પ્રકારના ધાર્મિક સૂત્રોચ્ચાર, નવી પૂજા વિધિ અને પૂજા સામગ્રી લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
સુરક્ષા માટે DYSP સહિત 425 પોલીસ કર્મચારીઓ, 20 PI, 35 PSI તહેનાત કરાયા. LCB-SOGની 4 ટીમ, SRPની 1 કંપની અને ગિરનારના ઇતિહાસમાં પ્રથમવાર SDRFની 1 ટીમ પણ બોલાવાઈ. ભીડને કાબૂમાં રાખવા પ્રવાસીઓ માટે ‘ઇન-આઉટ’ ઓનલાઇન/ઓફલાઇન રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરાયું, જેથી ઉપર કેટલા લોકો છે તેની ચોક્કસ ગણતરી રહે.
પ્રતિબંધ વચ્ચે પણ થયું ઉલ્લંઘન
આટલા ચુસ્ત બંદોબસ્ત છતાં કાયદાનું ઉલ્લંઘન થયું. 3 મહિલાઓ પોલીસની નજર ચૂકવીને પૂજા સામગ્રી અને લાડુ લઈને ભવનાથના પગથિયા સુધી પહોંચી ગઈ અને ત્યાં 30મી સીડી પર લાડુ ચડાવ્યા. આ ઘટનાથી તંત્રની ચેકિંગ સામે સવાલો ઉભા થયા છે.
બીજી તરફ રૈયવત સમિતિની દૂધારા યાત્રાને ગિરનારના પ્રવેશદ્વાર પાસે જ પોલીસે અટકાવી દીધી. પોલીસનું કહેવું છે કે જાહેરનામાનો ભંગ થાય છે. જ્યારે સમિતિનો દાવો છે કે તમામનું રજીસ્ટ્રેશન થયું હતું. યાત્રા રોકાતા સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ જોવા મળ્યો.
સમિતિના સભ્ય અરવિંદભાઈ સોલંકીએ કહ્યું કે “આજે અષાઢ સુદ સાતમના દિવસે ગિરનારમાં નવી સકારાત્મક ઉર્જા માટે આ ઐતિહાસિક યાત્રા હતી, પરંતુ તેને રોકી દેવાઈ”.
હાલની સ્થિતિ
પ્રતિબંધો છતાં દેશભરના શ્રદ્ધાળુઓ તળેટીમાં વિશાળ સંખ્યામાં એકઠા થયા છે. તંત્રનું કહેવું છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જ આ પગલા લેવાયા છે. પરંતુ શ્રદ્ધાળુઓની લાગણી અને કાયદા વચ્ચેની આ ખેંચતાણથી ગિરનાર પર તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે.
ગિરનારનો આ વિવાદ ફરી બતાવે છે કે ધાર્મિક આસ્થા અને વહીવટી નિયમો વચ્ચે સંતુલન કેટલું જરૂરી છે. એક તરફ હજારોની શ્રદ્ધા, બીજી તરફ કાયદાનો ડર. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર અને સમાજ વચ્ચે આ મુદ્દે કોઈ સમાધાન નીકળે છે કે નહીં.
