નેપાળ સરહદે ઝડપાયો ‘ભેદી’ અમેરિકન, કોઈ ગુપ્ત મિશન?: રહસ્યના તાણાવાણા
યુએસનો પૂર્વ ‘સ્પેશિયલ સર્વિસ ઓફિસર’ હોવાનો દાવો
ભારત-નેપાળ સરહદ નજીક ઉત્તર પ્રદેશના સોનૌલી વિસ્તારમાં એસએસબીએ 36 વર્ષીય અમેરિકન નાગરિક જોર્ડન બ્રાઉનને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડતાં અનેક રહસ્યો સામે આવ્યા છે. પોતાની ઓળખ અમેરિકાના કેલિફોર્નિયાના રહેવાસી તરીકે આપનારા બ્રાઉને, તે અગાઉ અમેરિકન નેવી તથા સ્પેશિયલ ફોર્સમાં સેવા આપી ચૂક્યો હોવાનો દાવો કર્યો છે. જોકે તપાસ એજન્સીઓને તેણે પોતાની ઓળખ, ભારત આવવાનો માર્ગ અને નેપાળ જવાનું કારણ અંગે વિરોધાભાસી નિવેદનો આપતાં સમગ્ર મામલો વધુ રહસ્યમય બન્યો છે.
એસએસબીના જણાવ્યા મુજબ બ્રાઉન પાસે ભારત કે નેપાળમાં રહેવા અથવા મુસાફરી કરવા માટેનો કોઈ માન્ય પાસપોર્ટ કે વિઝા મળ્યો નહોતો. તેની પાસેથી રોકડ રૂપિયા 31,460 અને બે મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે દાવો કર્યો કે થાઇલેન્ડમાં પાસપોર્ટ ગુમાવ્યા બાદ તે દરિયાઈ માર્ગે શ્રીલંકા થઈ 2 નવેમ્બર, 2025ના રોજ ભારતમાં પ્રવેશ્યો હતો અને ત્યારથી ગોવામાં રહેતો હતો. ત્યારબાદ તે બેંગલુરુ, લખનૌ અને ગોરખપુર થઈ સોનૌલી પહોંચ્યો હતો અને ત્યાંથી નેપાળમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
તપાસ દરમિયાન બ્રાઉને વિશ્વના લગભગ 70 દેશોની મુલાકાત લીધી હોવાનો દાવો કર્યો હતોં. તેના કહેવા મુજબ તે 2024 સુધી અમેરિકાની નેવી તથા સ્પેશિયલ સર્વિસ સાથે સંકળાયેલો હતો. તેણે ઉત્તરાખંડની યુવતી સાથે લગ્ન કર્યા હોવાનો તેમજ નેપાળમાં ‘નાઝ’ નામની વ્યક્તિને મળવા જવાનો દાવો પણ કર્યો હતો.
આ પણ વાંચો: ઇથેનોલ બનાવવા મોકલાતા સરકારી ચોખા ફરી સરકારને જ વેચી મારવાનું અનોખું કૌભાંડ
CIA સાથે જોડાણના દાવાવાળો અમેરિકન પણ ઝડપાયો હતો
જોર્ડન બ્રાઉનની ધરપકડ પહેલાં માર્ચ મહિનામાં મ્યાનમાર સરહદ નજીકથી અન્ય એક અમેરિકન મેથ્યુ વાનડાઈક અને છ યુક્રેનિયન ભાડૂતી લડવૈયાઓને પણ ભારતીય એજન્સીઓએ ઝડપી પાડ્યા હતા. વાનડાઈક વિશે કેટલાક અહેવાલોમાં તેને CIA સાથે જોડાણ ધરાવતો અને ભૂતકાળમાં અલ-કાયદા સાથે સંબંધો હોવાના દાવા કરવામાં આવ્યા હતા. હાલ તે દિલ્હીની તિહાર જેલમાં બંધ છે અને જેલમાં પોતાનું ભોજન જાતે બનાવવાની મંજૂરી માગી હોવાનું પણ સામે આવ્યું છે.
વિરોધાભાસી નિવેદનોથી રહસ્ય વધુ ઘેરું
જોર્ડન બ્રાઉને ક્યારે ભારત આવ્યો, ક્યાંથી આવ્યો, પાસપોર્ટ કોની પાસે છે, નેપાળ શા માટે જઈ રહ્યો હતો અને પોતાની સૈન્ય સેવાનો સમયગાળો શું હતો તે સહિત અનેક મુદ્દાઓ પર અલગ-અલગ નિવેદનો આપ્યા છે. તેણે ક્યારેક દરિયાઈ માર્ગે ભારત આવ્યાનો દાવો કર્યો તો ક્યારેક અન્ય દેશોમાંથી પ્રવાસ કરીને ભારત પહોંચ્યાનું જણાવ્યું. આ વિરોધાભાસોને કારણે તપાસ એજન્સીઓ તેની વાસ્તવિક ઓળખ, ભૂતકાળ અને સંભવિત હેતુની દરેક દિશામાં તપાસ કરી રહી છે.
