નેપાળમાં હાથીએ 14 વર્ષમાં એક જ પરિવારના ચાર સભ્યોને મારી નાખ્યા
14 વર્ષ પહેલાં માતા પિતાને મારી નાખ્યા હતા, આ મહિને એ જ પરિવારના મહિલા અને પુત્રને પતાવી દીધા
હિંસક હાથીના કોપથી બચાવા 14 વર્ષ પહેલા બીજા ગામે જઈ વસ્યા પણ હાથીએ પીછો છોડ્યો નહી.
14 વર્ષ પહેલાં નેપાળના ચિતવન નેશનલ પાર્ક નજીક રહેતા શનિચરા પરિવારના માતા પિતાને મારી નાખનાર એક હાથીએ તાજેતરમાં એ જ પરિવારના બીજા બે સભ્યોને ઘરમાં ઘૂસીને મોતને ઘાટ ઉતારતાં સમગ્ર દેશમાં ચકચાર મચી છે.
પ્રાપ્ત વિગત મુજબ ‘ધુરબે ‘ નામના હિંસક હાથીએ 2012ના ડિસેમ્બરમાં મડી વિસ્તારમાં શનિચરાના માતા-પિતાને કચડીને મારી નાખ્યા હતા. આ દુર્ઘટના પછી પરિવારે હાથીના આતંકથી બચવા માટે લગભગ 14 કિલોમીટર દૂર રાપ્તી નદી પાર કરીને જગતપુર ગામમાં વસવાટ શરૂ કર્યો હતો.
પરિવારને લાગ્યું હતું કે હવે તેઓ સુરક્ષિત છે, પરંતુ આ મહિનાની શરૂઆતમાં ધુરબે ફરી તેમના ઘરે પહોંચી ગયો. હાથીએ ઘરમાં ઘૂસી શનિચરા બોટેની 25 વર્ષની પુત્રવધૂ આશિકા બોટે અને ચાર વર્ષના પૌત્ર ભરત બોટેને કચડીને મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ પણ વાંચો: નેપાળ સરહદે ઝડપાયો ‘ભેદી’ અમેરિકન, કોઈ ગુપ્ત મિશન?: રહસ્યના તાણાવાણા
શનિચરા બોટેએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ હતો કે મોટી નદી પાર કર્યા પછી હાથી અમારી સુધી પહોંચી શકશે નહીં. પરંતુ વર્ષો પછી એ જ હાથી અમારા ઘર સુધી આવી પહોંચ્યો અને અમારા પરિવારના વધુ બે સભ્યોનો જીવ લઈ ગયો. હવે બચવા માટે ક્યાં જઈએ તે સમજાતું નથી.”
ધુરબેને નેપાળના સૌથી ખતરનાક’ રોગ એલિફન્ટ ‘ તરીકે ઓળખવામાં આવે છે અને વન વિભાગ વર્ષોથી તેના પર નજર રાખી રહ્યો છે. તેને 2016માં ટ્રેકિંગ કોલર પહેરાવવામાં આવ્યો હતો, ત્યારબાદ 2020 અને 2023માં નવા કોલર લગાવી તેની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમ છતાં તેના હુમલા અટકાવવામાં સફળતા મળી નથી.
અત્યાર સુધીમાં 25 લોકોનો ભોગ લીધો
ચિતવન નેશનલ પાર્કના અધિકારીઓના જણાવ્યા અનુસાર ધુરબે અત્યાર સુધીમાં 25 લોકોના મોત માટે જવાબદાર માનવામાં આવે છે. આ હાથીએ 2010થી અનેક જીવલેણ હુમલા કર્યા છે. જગતપુરમાં થયેલા તાજેતરના બે મોત બાદ તેની સાથે જોડાયેલો માનવ મૃત્યુઆંક 25 પર પહોંચી ગયો છે. વન વિભાગ સતત ટ્રેકિંગ અને દેખરેખ રાખી રહ્યો છે, છતાં ધુરબેનો આતંક યથાવત હોવાથી ચિતવન વિસ્તારના લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે.
