આત્મનિર્ભરતાની વાતો વચ્ચે ચીનથી આયાતમાં 21.8 ટકાનો જંગી વધારો
જૂનમાં ભારતની કુલ વેપાર ખાધમાં 430 ટકાનો તોતિંગ વધારો; છ મહિનામાં ચીન સાથેનો વેપાર 91.72 અબજ ડૉલરે પહોંચ્યો
આત્મનિર્ભર ભારતના લક્ષ્ય અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો વચ્ચે 2026ના પ્રથમ છ મહિનામાં ચીનમાંથી ભારતની આયાતમાં 21.8 ટકાનો જંગી વધારો નોંધાયો છે. ચીનના કસ્ટમ્સ વિભાગના મંગળવારે જાહેર કરાયેલા આંકડા મુજબ જાન્યુઆરીથી જૂન દરમિયાન ભારતે ચીનમાંથી 79.41 અબજ ડૉલરની આયાત કરી હતી જે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે. બીજી તરફ ભારતની ચીન તરફની નિકાસમાં પણ 37.2 ટકાનો વધારો થઈ 12.31 અબજ ડૉલર નોંધાયો છે.
છ મહિનામાં બંને દેશો વચ્ચેનો કુલ દ્વિપક્ષીય વેપાર 23.6 ટકા વધીને 91.72 અબજ ડૉલરે પહોંચ્યો છે. આ જ ગતિ ચાલુ રહી તો ગયા વર્ષે નોંધાયેલા 155.62 અબજ ડૉલરના રેકોર્ડને પણ આ વર્ષે પાછળ છોડી દે તેવી શક્યતા છે.
જો કે વેપારમાં વધારો થયો હોવા છતાં ભારતની ચીન સામેની વેપાર ખાધ સતત વિસ્તરી રહી છે. પ્રથમ છ મહિનામાં વેપાર ખાધ 67.1 અબજ ડૉલરે પહોંચી ગઈ છે, જે ગયા વર્ષના 116.12 અબજ ડૉલરના રેકોર્ડને પણ વટાવી શકે છે.
આ દરમિયાન ભારત સરકારના સોમવારે જાહેર થયેલા આંકડા મુજબ જૂન 2026માં દેશની કુલ વેપાર ખાધ વાર્ષિક ધોરણે 430 ટકા વધીને 15.3 અબજ ડૉલરે પહોંચી હતી. કાચા તેલ, ઇલેક્ટ્રોનિક્સ અને સોનાની આયાતના મૂલ્યમાં થયેલા વધારાને તેના માટે મુખ્ય જવાબદાર ગણાવવામાં આવ્યો છે.
વેપાર ખાધ કરતાં પણ આ બાબત વધુ ચિંતાજનક
સરકારી વર્તુળોની સૌથી મોટી ચિંતા માત્ર વેપાર ખાધનો આંકડો નથી, પરંતુ ચીનમાંથી આયાત થતી ચીજવસ્તુઓનું સ્વરૂપ છે. ભારત ચીનમાંથી તૈયાર ઇલેક્ટ્રોનિક્સ ઉપરાંત મોટા પ્રમાણમાં એવા ઇન્ટરમિડિયેટ્સ અને ઘટકો પણ આયાત કરે છે, જેના પર ભારતીય ઉત્પાદન અને નિકાસ ઉદ્યોગ ભારે નિર્ભર છે. બીજી તરફ ચીનમાં ભારતની નિકાસ હજુ પણ મુખ્યત્વે ઓછી મૂલ્યવર્ધિત ચીજવસ્તુઓ, જેમ કે ઓર્ગેનિક કેમિકલ્સ, ખનિજ અને સીફૂડ સુધી મર્યાદિત છે. પરિણામે વેપારનું સંતુલન સુધારવું વધુ મુશ્કેલ બની રહ્યું છે.
ચીનમાં ભારતીય રાજદૂતનું સૂચન
ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ દોરાઈસ્વામીએ ભારતની ચીન તરફની નિકાસ વધારવા પર ભાર મૂક્યો છે. તેમણે ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં ભારત વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક હોવાથી ચીને ભારતીય ઉત્પાદનો માટે વધુ બજાર ખોલવું જોઈએ તેવી રજૂઆત કરી હતી. તેમનું કહેવું હતું કે વેપારમાં સંપૂર્ણ સમાનતા જરૂરી નથી, પરંતુ ભારત તરફથી વધુ મૂલ્યવર્ધિત ઉત્પાદનોની નિકાસ વધે તે બંને દેશોના હિતમાં રહેશે.
